મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

પાકિસ્તાનની સેના દ્વારા સરહદે બેફામ ફાયરિંગ

એક ભારતીય જવાન શહીદ : શાહપુર, કિર્ની અને કુપવારામાં ફાયરિંગ, ભારતનો વળતો જવાબ : એન્કાઉન્ટરમાં બે જવાન ગંભીરરીતે ઘાયલ થયા

જમ્મુ, તા. ૬ : જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાની સેના દ્વારા રવિવારે બેફામ ગોળીબાર કરાયો હતો. ત્રણ સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યે ફાયરિંગ કર્યું હતું જેમાં કુપવાહામાં થયેલા ફાયરિંગમાં એક જવાને શહીદી વહોરી હતી. બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરમિયાન કુપવાહા જિલ્લામાં જ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું હતું. પાકિસ્તાનના લશ્કરે એલઓસીના ત્રણ સેક્ટરમાં બેફામ ગોળીબાર કર્યો હતો. શાહપુર, કિર્ની અને કુપવાહામાં પાક. લશ્કરે ફાયરિંગ કર્યું હતું, ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. સંરક્ષણ વિભાગના  પ્રવક્તાએ કહ્યું હતું કે કુપવાહામાં  એલઓસીમાં થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો. બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બીજી તરફ કુપવાહામાં સુરક્ષાદળોએ એક્નાઉન્ટર કર્યું હતું. કુપવાહામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સર્ચ ઓપરેશન એક્નાઉન્ટર સીનમાં બદલાયો હતો. ઈન્ડિયન આર્મીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરી કાશ્મીરમાં ફરીથી બેઝ બનાવવા માટે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહીદીને કવાયત શરૂ કરી છે. બારામુલ્લા જિલ્લામાં આતંકવાદી સંગઠનના ત્રણ આતંકવાદીઓ એક્નાઉન્ટરમાં ઠાર થયા હતા.

અધિકારીઓના કહેવા પ્રમાણે ઉત્તર કાશ્મીરમાં હિઝબુલના આતંકવાદીઓનો સફાયો થઈ જતાં હિઝબુલે નવેસરથી આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે આતંકવાદીઓની ભરતી શરૂ કરવાની મથામણ આદરી છે.

દરમિયાન પંજાબમાં ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ કારનું અપહરણ કર્યું હતું. એ ઘટના પછી જમ્મુ-કાશ્મીર હાઈ-વેની તમામ ચેકપોસ્ટમાં એલર્ટ અપાયો હતો. પંજાબના ગુરૂદાસપુર જિલ્લામાં ત્રણ બાઈક સવાર બદમાશોએ વ્હાઈટ વર્નાનું અપહરણ કર્યુ હતું. આ ઘટના પછી જમ્મુ-કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશને પણ એલર્ટ અપાયો છે. કાશ્મીરના શોપિયાં જિલ્લાના ૧૦ની યુએપીએ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. અનલોફૂલ એક્ટિવિટિ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ૧૦ને પોલીસે પકડી લીધા છે. ૨૦૧૯માં માર્યા ગયેલા આતંકવાદી સૈયદ રૂબનના ભાઈએ આતંકીની યાદમાં ક્રિકેટમેચનુ આયોજન કર્યું હતું.

(8:29 am IST)