મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

કોરોના ટેસ્ટિંગ માટે ભારતમાં પહેલીવાર ઓન ડિમાન્ડ સેવા

૨૪ કલાકમાં વધુ રેકોર્ડબ્રેક ૯૦,૬૦૦ કેસ : વર્તમાન ટેસ્ટિંગ સેવાને ધ્યાનમાં રાખી નવી ગાઇડલાઇન જાહેર કરી છે : ગર્ભવતી મહિલાઓનું ટેસ્ટિંગ ફરજિયાત

નવી દિલ્હી, તા. ૬ : કોરોના વાયરસના ચેપગ્સ્તોના નવા કેસાના મુદ્દે ભારતમાં રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે ત્યારે કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે ટેસ્ટિંગ મુદ્દે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. દેશમાં હવે પહેલીવાર ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ સેવા આપવામાં આવશે. સાથે સાથે કોઇપણ પ્રકારની સ્વાસ્થ સંબંધી ઇમરજન્સીમાં કોરોના ટેસ્ટિંગ ન થવા પર લોકોને સારવાર મળશે, પરંતુ આ માટે સેમ્પલ ફરજીયાત આપવાનું રહેશે.  મંત્રાલયે વર્તમાન ટેસ્ટિંગ સેવાને ધ્યાનમાં રાખીને આ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. અત્યાર સુધી દેશમાં ૪ કરોડ ૭૭ લાખથી વધારે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. દેશમાં કુલ ૧૬૪૭ કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત છે. નવી ગાઇડલાઇન મુજબ કન્ટેનમેન્ટ ઝોનના તમામ સ્વાસ્થ કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામ કરી રહેલા વોરિયર્સને સુવિધાઓ. આ પ્રકારના ઝોનમાં શંકાસ્પદ વ્યક્તિનું ટેસ્ટિંગ. કોરોના સંક્રમણના લક્ષણો ન ધરાવતા લોકો, જેઓ સંક્રમિતોની સંપર્કમાં આવ્યા હોય એવા લોકોના ટેસ્ટિંગને પ્રાધાન્ય અપાશે.

               ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને આવરી લેવાશે. કન્ટેનમેન્ટ ઝોનના વરિષ્ઠ નાગરિકોને પ્રાધાન્ય મળશે.૧૪ દિવસમાં વિદેશથી આવેલાનું ટેસ્ટિંગ ફરજીયાત રહેશે. હોસ્પિટલ પહોંચેલા કોઇપણ દર્દીનો શેરી ટેસ્ટ ફરજીયાત રહેશે. તમામ ગર્ભવતી મહિલાઓનું કોરોના ટેસ્ટિંગ ફરજીયાત થશે, જે પ્રસૂતિ માટે હોસ્પિટલ પહોંચી છે. કોરોના ટેસ્ટિંગની સુવિધા ન હોવા છતા ગર્ભવતી મહિલાની સારવાર ન રોકવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. કોરન્ટાઇનમાં રહેલી વ્યક્તિની ૧૪ દિવસ પછી ટેસ્ટિંગ ફરજીયાત રહેશે. દરમિયાન, દેશમાં કોરોના સંક્રમિતોના આંકડામાં છેલ્લા પાંચ દિવસોમાં એક વખત પણ ઘટાડો થયો નથી. શનિવારે આ રેકોર્ડ ૯૦ હજારને પાર થઈ ગયો છે. કુલ ૯૦ હજાર ૬૦૦ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી ૪૧.૧૦ લાખ કેસ નોંધાયા છે. રાહતની વાત તો એ છે કે એક દિવસમાં ૭૩ હજાર દર્દી સાજા પણ થયા છે. આ રીતે કુલ સાજા થનારની સંખ્યા ૩૧.૭૭ લાખ થઈ ગઈ છે. અત્યાર સુધી આ બિમારીથી ૭૦,૬૭૯ લોકોના મોત થયા છે. ૮.૬૧ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

(8:29 am IST)