મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

૨૪ કલાકમાં ૯૦૮૦૨ કેસ : ૧૦૧૬ના મોત : કુલ કેસ ૪૨ લાખ ઉપર

ભારતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ : સતત બીજા દિવસ ૯૦ હજારથી વધુ કેસ નોંધાયા : દેશનો કુલ મૃત્યુઆંક ૭૧૬૪૨ અને કુલ કેસ ૪૨૦૪૬૧૪: કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ : મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો ક્રમ

નવી દિલ્હી તા. ૭ : કોરોના સંક્રમણની સ્પિડ જે રીતે વધી રહી છે તે જોતા એવું અનુમાન લગાવી શકાય કે ભારત અમેરિકાને પણ પાછળ છોડીને એક દિવસ નંબર ૧ બની જશે. સતત બીજા દિવસે દેશમાં કોરોનાના ૯૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સાથોસાથ ૧ હજારથી વધુ લોકોના મોત પણ થયા છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ પર નજર નાખીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૦૮૦૨ નવા કેસ અને ૧૦૧૬ દર્દીઓના મોત સાથે ભારતમાં મહામારીના કેસ ૪૨ લાખને પાર કરી ગયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ ૪૨૦૪૬૧૪ થઇ ગયા છે. જેમાં ૮૮૨૫૪૨ એકિટવ કેસ છે અને ૩૨૫૦૪૨૯ દર્દી કાં તો સ્વસ્થ્ય થયા છે અથવા તો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના ૯૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

ભારતમાં અત્યાર સુધીમાં ૭૧૬૪૨ લોકોના મોત થયા છે.

હવે અમેરિકા, ભારત અને બ્રાઝીલ જેવા વિશ્વના શકિતશાળી દેશ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે. આ ત્રણેય દેશોમાં વિશ્વના ૫૪ ટકા એટલે કે ૧.૪૮ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. ૪૪ ટકા એટલે કે ૩ લાખ ૯૨ હજાર લોકોના મોત થયા છે. ભારતમાં રોજ કેસ વધી રહ્યા છે અને મૃત્યુ પણ વધી રહ્યા છે.

ભારતમાં સૌથી વધુ એકટીવ કેસ મહારાષ્ટ્રમાં છે તે પછી તામિલનાડુ અને પછી દિલ્હીનો ક્રમ આવે છે ચોથા ક્રમે ગુજરાત અને પાંચમાં ક્રમે ૫.બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એકટીવ કેસ છે. એકટીવ કેસના મામલે ભારત દુનિયામાં બીજા સ્થાને છે. કોરોના સંક્રમિતની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.

(11:32 am IST)