મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

શિક્ષણ નીતિમાં સરકારનો ચંચૂપાત ઓછો હોવો જોઇએ

રાજ્યપાલોના સંમેલનને સંબોધતા વડાપ્રધાન મોદી : નવી નીતિમાં પ્રેશર ઓછું : પુરૃં થશે આત્મનિર્ભર ભારતનું મિશન

નવી દિલ્હી તા. ૭ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજયપાલની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યાં હતા. સરકાર તરફથી ગત દિવસોમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી, જેનાપર હજુ પણ મંથન કરવામાં આવી રહ્યું છે.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશના લક્ષ્યાંકોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ રૂપા કરી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ.ઙ્ગ

પીએમ મોદીએ કહ્યું કે શિક્ષણ નીતિ દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ હોય છે. તેની સાથે બધા જોડાયેલા છે. શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ અને પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ. શિક્ષણ નીતિથી શિક્ષક, વાલીઓ વિદ્યાર્થીઓ જેટલા જોડાયેલા હશે, એટલી જ તે પ્રાસંગિક બનશે. ૫ વર્ષથી દેશભરના લોકોએ પોતાના સૂચનો આપ્યાં. ડ્રાફટ પર ૨ લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા હતાં. બધાએ તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. વ્યાપક વિવિધતાઓના મંથનથી અમૃત નીકળ્યું છે. આથી ચારેબાજુ તેનું સ્વાગત થઈ રહ્યું છે. બધાને આ શિક્ષણ નીતિ પોતાની લાગી રહી છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લાગુ કરવાની રીત પર સંવાદ થઈ રહ્યાં છે. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેનાથી ૨૧મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.ઙ્ગ

તેમણે કહ્યું કે શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, તેનું મૂળ શું હોવું જોઈએ, તેના તરફ દેશ એક ડગલું આગળ વધ્યો છે. શિક્ષણ વ્યવસ્થાની જવાબદારીથી કેન્દ્ર, રાજય સરકાર, સ્થાનિક એકમો, બધા જોડાયેલા હોય છે. પરંતુ એ પણ સાચુ છે કે શિક્ષણ નીતિમાં સરકાર, તેનો હસ્તક્ષેપ, તેનો પ્રભાવ ઓછો હોવો જોઈએ. ગામડામાં કોઈ શિક્ષક હોય કે પછી મોટા મોટા શિક્ષણવિદ્, બધાના મનમાં એક ભાવના છે કે પહેલની શિક્ષણ નીતિમાં આ સુધાર થતો હું જોવા માંગતો હતો. આ એક મોટું કારણ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્વિકૃતિનું. આજે દુનિયા ભવિષ્યમાં ઝડપથી બદલાતી જોબ, કાર્યની પ્રકૃતિને લઈને ચર્ચા થાય છે. આ પોલીસી દેશના યુવાઓને ભવિષ્યની જરૂરિયાતો મુજબ જ્ઞાન અને કૌશલ બંને મોરચે તૈયાર કરશે.ઙ્ગ

પીએમ મોદીએ જણાવ્યું કે લાંબા સમયથી આ માગ સામે આવી રહી હતી કે બાળકો બેગ અને બોર્ડની પરીક્ષાને લઇને દબાવમાં જોવા મળે છે, એવામાં હવે આ ભારને ઓછો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે કોઇપણ વિદ્યાર્થી કોઇપણ પ્રવાહ (સ્ટ્રીમ)ને કયારેય પણ લઇ શકે છે અને છોડી શકે છે.

PM મોદીએ કહ્યું કે દેશમાં સારા કેમ્પસ યોજાશે, જેનાથી વિદેશમાં ભણવા જવાના પ્રયત્નો ઓછા થશે. આ સાથે જ પ્રયત્ન કરવામાં આવ્યાં છે કે ઓનલાઇન ભણતરને પ્રોત્સાહન મળે. પીએમ મોદીએ કહ્યું કે જેવી રીતે વિદેશ નીતિ કોઇ સરકારની નહી પણ દેશની હોય છે, આ શિક્ષણ નીતિ પણ કોઇ સરકારની નહીં પરંતુ દેશની શિક્ષણ નીતિ છે. પીએમ મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ ભણાવા કરતા શીખવા પર વધુ ફોકસ કરે છે અને પાઠ્યક્રમથી વધારે આગળ વધીને વધારે વિચારવા પર જોર આપે છે.

(4:00 pm IST)