મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

૨૬ વર્ષ પહેલા નકલી ખાતુ ખોલાવી રૂ. ૨૨૪૨ લઇ લીધા : હવે ચુકવવા પડ્યા રૂ. ૫૫ લાખ

ભૂલ નાની હોય કે મોટી ફાયદાની નજરમાં બધુ બરાબર હોય છે

નવી દિલ્હી,તા.૭: ૨૬ વર્ષ પહેલા એક શખ્સે લગભગ સવા બે હજાર રૂપિયાનો ચેક ખોટી રીતે વટાવો ૫૫ લાખ રૂપિયામાં પડ્યો છે. ૨૨૪૨.૫૦ રૂપિયાના ચેકને ખોટી રીતે કેશ કરનાર વ્યકિતએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદીને ૫૫ લાખ ચૂકવવાનું કહ્યું છે, ત્યારબાદ કોર્ટે આ ચેકને રોકડ કરનાર મહેન્દ્રકુમાર શારદા વિરુદ્ઘ દાખલ થયેલ ફોજદારી કેસ પાછો ખેંચવાની માંગ પર વિચાર કરવા પર સંમતિ વ્યકત કરી.

આ મામલે શારદા દ્વારા ફરિયાદી હરિઓ માહેશ્વરીને ફોજદારી કેસનો નિકાલ કરવા માટે ૫૦ લાખ રૂપિયા આપવા ઉપરાંત બે દાયકાથી વધારે સયમથી કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી કોર્ટનો સમય બગાડવા માટે ૫ લાખ રૂપિયાનો દંડ ચુકવવો પડશે.

આ મામલે આરોપી શરદા અને ફરીયાદી માહેશ્વરી મે ૧૯૯૨ સુધી દિલ્હી સ્ટોક એકસચેન્જમાં એક સાથે કામ કરતા હતા. મહેશ્વરીએ દિલ્હી પોલીસમાં ૧૯૯૭માં શારદા વિરૂદ્ઘ FIR નોંધાવી હતી. જેમાં કહ્યું હતું કે, તેના કમિશનના ૨૨૪૫.૫૦ રૂપિયાનો એક ચેક શારદાના હાથે લાગ્યો હતો. ત્યારબાદ તેણે ચેક પડાવી લેવા માટે છેતરપિંડી કરીને મહેશ્વરીની પેઢીના નામે એક ખાતું ખોલાવ્યું હતું અને આ ચેક તેમાં જમા કરાવી તેણે ચેકની રકમ પડાવી લીધી હતી. પોલીસે શારદા સામે છેતરપિંડી અને બનાવટીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓએ FIR વિરુદ્ઘ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. શરૂઆતમાં FIRને રદ કરવાની દલીલ કરી અને પછી ફરીયાદી સાથે સમાધાન માટે સંમત થયા. પરંતુ ચાર્જની ગંભીર પ્રવૃતિને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી આરોપી શારદાએ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં તેણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે ૨૨૪૨.૫૦ રૂપિયાના ચેકના બદલામાં ૫૦ લાખ રૂપિયા લેવા ફરિયાદીને રાજી કર્યા છે અને બંને પક્ષો સમાધાન કરવા તૈયાર છે.

સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આરોપીના વકીલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ કેસમાં સમાધાન માટે બે દાયકાથી વધુનો સમય લાગ્યો છે અને આ દરમિયાન કોર્ટનો કિંમતી સમય બરબાદ થયો હતો જેને અવગણી શકાય નહીં. જેના પર આરોપીઓએ કોર્ટનો સમય બગાડવા બદલ વળતર તરીકે ૫ લાખ રૂપિયા અને ફરિયાદીને આપવાનું જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન ફરિયાદી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યો હતો અને સમાધાનની હાકલ કરતા આરોપી વિરુદ્ઘ નોંધાયેલ એફઆઈઆર પરત ખેંચવાની માંગ કરી હતી.

આ કેસ બિન-સમાધાનકારી ગુના હેઠળ નોંધવામાં આવ્યો છે. તેથી આરોપી અને ફરિયાદીની સુનાવણી કર્યા પછી સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે ૧૫ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. આ દિવસે સુપ્રીમ કોર્ટ દિલ્હી પોલીસની તરફેણમાં સુનાવણી કરશે અને ત્યારબાદ આરોપીઓ વિરુદ્ઘ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ પર ચુકાદો આપશે.

(11:42 am IST)