મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

કોવિડ-૧૯, ઇકોનોમી, GST ચીન સહિતના મુદ્દે સંસદમાં સરકારને ભીડવશે વિપક્ષો

સંયુકત મોરચો ખોલવાની તૈયારીમાં વિપક્ષો

નવી દિલ્હી તા. ૭ : વિપક્ષો સંસદમાં એક સાથે મળીને સરકારને કોવિડ-૧૯, અર્થવ્યવસ્થા, રાજયોને જીએસટીનું વળતર અને ચીન સાથે સરહદ પર અથડામણ જેવા રાષ્ટ્રીય મુદ્દે ઘેરવા અંગે વિચાર કરી રહ્યા છે. સુત્રોએ આ બાબતે જણાવ્યું કે વિભીન્ન વિરોધી પક્ષોના નેતાઓ દ્વારા સંસદના બન્ને સદનોમાં સરકાર વિરૂદ્ધ એક સાથે મોરચો ખોલવા માટે આ અઠવાડીયે એક મીટીંગ કરીને સંયુકત રણનીતિ બનાવવાની શકયતા છે.

વિપક્ષી નેતાઓ ઇચ્છે છે કે સમાન વિચારધારાવાળા પક્ષોએ સંસદમાં સરકારને ઘેરવા માટે સાથે મળીને કામ કરવુ જોઇએ. તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતાબેનર્જી, શિવસેના નેતા ઉધ્ધવઠાકરે, ઝામુમોના હેમંત સોરેન જેઇઇ/નીટ અને જીએસટી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓની હાલમાં થયેલી મીટીંગમાં આ વિચારો વ્યકત કરી ચુકયા છે.

કોંગ્રેસનું રણનીતીકાર ગ્રુપ એકવાર મીટીંગ કરી ચુકયું છે અને તેમાં સંસદમાં ઉઠાવવાના મુદ્દાઓની ચર્ચા કરાઇ હતી કોંગ્રેસના સીનીયર નેતાઓને યુપીએના સહયોગીઓ અને સમાન વિચારધારા વાળા પક્ષો સાથે સંપર્ક કરવાનું કહેવાયું છે, જેથી સંસદની અંદર અને બહાર સરકાર સામેએક સંપ બતાવી શકાય તૃણામુલ કોંગ્રેસના નેતા ડેરેકે ઓવબ્રાયને પહેલા કહ્યું હતું કે સમાન વિચારધારા વાળા વિપક્ષો સંસદમાં સાથે કામ કરશે અને પ્રજાના મુદાઓ ઉઠાવશે.

(1:04 pm IST)