મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

ડિફેન્‍સ રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ સંગઠનની આત્‍મનિર્ભર ભારતની દિશામાં અત્‍યંત મહત્‍વની સિદ્ધિઃ હાઇરસોનિક ટેકનોલોજી ડેમોન્‍સ્‍ટ્રેટર વ્‍હીકલનું સફળ પરિક્ષણ

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંગઠન (DRDO)એ આત્મનિર્ભર ભારતની દિશામાં અત્યંત મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. દેશની આ પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાએ સ્ક્રેમજેટ પ્રોપલ્ઝન સિસ્ટમનો ઉપયોગ કરીને હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યુ છે. અહીં મહત્ત્વની વાત એ છે કે સ્ક્રેમજેટ પ્રોપલ્ઝન સિસ્ટમને દેશમાં જ વિકસાવવામાં આવી છે. આના લીધે ભારતીય મિસાઇલો અને આગામી પેઢીના હાઇપરસોનિક વાહનોની ઝડપમાં નોંધપાત્ર વધારો કરી શકાશે.

DRDOએ આ મિશનને ઐતિહાસિક ગણાવ્યુ છે. સંસ્થાએ ટવીટ કરીને જણાવ્યું હતું કે આ મિશનની સાથે તે સાબિત થઈ ગયું છે કે DRDO અત્યંત જટિલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરી શકે છે.

આજે હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વાહનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ. આ પહેલા જૂન 2019માં તેનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેનો ઉપયોગ હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ બનાવવા અને અત્યંત ઓછા ખર્ચે સેટેલાઇટ લોન્ચિંગમાં કરવામાં આવશે. તેની સાથે હાઇપરસોનિક અને લાંબા અંતરના ક્રૂઝ મિસાઇલ માટે યાન તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વાહન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ પ્રણાલી વિકસિત કરવી તે મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનો હિસ્સો છે. આ સાથે ભારત તે અગ્રણી દેશોમાં સામેલ થઈ ગયુ છે, જેની પાસે આ ટેક્નોલોજી છે. અમેરિકા, રશિયા અને ચીનની પછી ભારત ચોથો એવો દેશ છે જેણે આ ટેકનોલોજી વિકસાવી છે.

તેમણે જણાવ્યું હતું કે આ સફળ ટેસ્ટિંગની સાથે ઉદ્યોગ જગતની સાથે આગામી પેઢીના હાઇપરસોનિક વાહનોના નિર્માણનો રસ્તો ખુલી ગયો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ સિદ્ધિ પર તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે ટવીટ કર્યુ હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની આકાંક્ષાઓને સાકાર કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માટે DRDOને અભિનંદન આપું છું.

રાજનાથે ટવીટર પર જણાવ્યું હતું કે તેમણે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે. સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ભારતને પોતાના બધા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમણે જણાવ્યુ્ં હતું કે આ સફળતા પછી બધી મહત્વની ટેક્નોલોજી આગામી તબક્કામાં પહોંચશે.

(4:48 pm IST)