મુખ્ય સમાચાર
News of Saturday, 8th January 2022

કાપડનું માસ્‍ક પહેરનારા લોકો સાવધાન : નહીંતર આટલી જ મિનિટમાં આવી જશો કોરોનાની ઝપેટમાં

નવી દિલ્‍હી તા. ૮ : રાજય અને દેશભરમાં કોરોનાના કેસોની સંખ્‍યા સતત વધી રહી છે. વિશેષજ્ઞ વારંવાર છે કે સંક્રમણ થી બચવા માટે કોરોના નિયમોનું પાલન કરવા સિવાય કોઈ ઓપ્‍શન નથી. અને કોવિડવિધિનું પહેલું પગલું માસ્‍ક પહેરવું છે. પરંતુ લોકોના મનમાં એ મૂંઝવણનો અંત આવ્‍યો નથી કે કોવિડના સંક્રમણને રોકવા માટે માસ્‍ક કેટલું ઉપયોગી છે. મોટાભાગના કિસ્‍સાઓમાં જાગૃતિનો અભાવ છે. તાજેતરના અભ્‍યાસના પરિણામોના આધારે, સંશોધકોએ ફરી એકવાર બતાવ્‍યું છે કે માસ્‍ક કોવિડ સંક્રમણને રોકવામાં કેટલા અસરકારક છે.
નિષ્‍ણાંતો પહેલેથી જ કહી ચૂક્‍યાં છે કે, N95 માસ્‍ક કોવિડ સામે રક્ષણ આપવા માટે સૌથી વધુ ઉપયોગી છે. જો કોવિડથી પીડિત વ્‍યક્‍તિએ માસ્‍ક ન પહેર્યું હોય, તો તેની સામે પહેરેલું N95 માસ્‍ક લગભગ અઢી કલાક સુધી સ્‍વસ્‍થ વ્‍યક્‍તિનું રક્ષણ કરી શકે છે. અને જો દર્દી અને સામાન્‍ય વ્‍યક્‍તિ બંને માસ્‍ક પહેરે છે, તો કોવિડ દર્દીથી તંદુરસ્‍ત વ્‍યક્‍તિમાં ચેપ ફેલાતા લગભગ ૨૫ કલાકનો સમય લાગે છે.
પરંતુ N95 માસ્‍ક લાંબા સમય સુધી પહેરી રાખવું ખૂબ જ મુશ્‍કેલ છે આથી સામાન્‍ય લોકો સામાન્‍ય કાપડના માસ્‍ક પહેરવાનું વલણ ધરાવતા હોય છે. પરંતુ સંશોધકો આ વિશે વારંવાર ચેતવણી આપી રહ્યાં છે. તેમના મતે, આ માસ્‍ક ઓમિક્રોનને રોકવામાં વધારે અસરકારક નથી. સંશોધનમાં એવું જાણવા મળ્‍યું કે, જો કોવિડ સંક્રમિત વ્‍યક્‍તિની સામે આવાં લેયર કાપડનું માસ્‍ક પહેરવામાં આવે તો તંદુરસ્‍ત વ્‍યક્‍તિ પણ માત્ર ૨૦ મિનિટમાં જ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. જો દર્દી અને સ્‍વસ્‍થ વ્‍યક્‍તિ બંને આ માસ્‍ક પહેરે છે, તો સંક્રમણ ફેલાવવામાં માત્ર ૨૮ મિનિટનો જ સમય લાગે છે.
સંશોધકોનું કહેવું છે કે, કાપડનું માસ્‍ક પહેરવા કરતાં સર્જિકલ માસ્‍ક પહેરવું વધુ અસરકારક છે. સર્જિકલ માસ્‍ક તંદુરસ્‍ત વ્‍યક્‍તિને લગભગ ૩૦ મિનિટ સુધી સંક્રમણથી બચાવી શકે છે. નિષ્‍ણાંતોનાં મતે, ઓમિક્રોન કોરોનાના અન્‍ય સ્‍વરૂપો કરતા વધુ સંક્રમિત છે. આથી પોતાને સંક્રમણથી બચાવવા વધુ મુશ્‍કેલ છે. જેથી માસ્‍કને ગળામાં લટકાવવું, નાકમાંથી માસ્‍ક પડવું, માસ્‍કને વારંવાર સ્‍પર્શ કરવો આ બધું જ ખૂબ જોખમી હોઈ શકે છે. સંશોધન સ્‍પષ્ટપણે દર્શાવે છે કે, માસ્‍ક વિના દર્દીથી તંદુરસ્‍ત વ્‍યક્‍તિમાં સંક્રમણ ફેલાવવામાં માત્ર ૨૦ મિનિટનો જ સમય લાગે છે.

 

(12:10 pm IST)