મુખ્ય સમાચાર
News of Saturday, 8th January 2022

પંજાબના સીએમ ચન્નીની જીભ લપસી :પીએમ મોદી પ્રત્યે તું-તારી જેવી ભાષાનો ઉપયોગ કર્યો

સુરક્ષા ચૂક મામલે ચન્નીએ પ્રશ્ન કર્યો હતો કે, શું કોઈએ પથ્થર માર્યો, કોઈ ઉઝરડા પડયા, કોઈ ગોળી વાગી, કોઈએ તારી વિરુદ્ધ સૂત્રો પોકાર્યા?

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો હજુ ઠંડો પડયો નથીરાજકીય વિવાદ વચ્ચે પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્ની વડાપ્રધાન મોદી પ્રત્યે અમર્યાદિત ભાષાનો પ્રયોગ કર્યો છે અને જેનો વીડિયો પણ સામે આવ્યો છે. એક રેલીમાં ચન્ની વડાપ્રધાન મોદી પર ટોણો મારતા જોવા મળ્યા હતા.

ગુરુવારે પંજાબના ટાંડામાં યોજાયેલી ચૂંટણી રેલીમાં ચરણજિતસિંહ ચન્નીએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે પીએમની સુરક્ષામાં ચૂક થઈ છે. ચન્નીએ પ્રશ્ન કર્યો હતો કે, શું કોઈએ પથ્થર માર્યો, કોઈ ઉઝરડા પડયા, કોઈ ગોળી વાગી, કોઈએ તારી વિરુદ્ધ સૂત્રો પોકાર્યા? ચન્નીએ પોતાના આ નિવેદનમાં વડાપ્રધાન મોદી પ્રત્યે તું-તારી જેવી ભાષાનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં ચન્ની રેલીમાં જ મોદી પર નહોતા વરસ્યા બલકે તેમણે સોશિયલ મીડિયા પર પણ વડાપ્રધાન વિરુદ્ધ ટોણો માર્યો હતો.

ચન્નીએ સરદાર વલ્લભભાઈ પટેલના બહાને વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. સરદાર પટેલની તસવીર ટ્વિટર પર શેર કરતા ચન્નીએ તેમનું એક નિવેદન શેર કર્યું હતું. ચન્નીએ લખ્યું હતું કે, જેને કર્તવ્ય કરતા વધારે પોતાના જીવની ચિંતા હોય, તેણે ભારત જેવા દેશમાં મોટી જવાબદારી ન લેવી જોઈએ. જોકે, ચન્નીએ કોઈનું નામ નહોતું લીધું પણ તેમનો ઇશારો સ્પષ્ટ હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજ્ય સરકાર અને પોલીસનો બચાવ કરતા ચન્ની કહી ચૂક્યા છે કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચૂક નહોતી થઈ. તેમના અનુસાર છેલ્લી ઘડીએ વડાપ્રધાન મોદીનો રૂટ બદલાયો હતો. તેમણે વિમાન માર્ગે જવાનું હતું પણ તેઓ સડક માર્ગે નીકળ્યા હતા. રાજ્ય સરકારે હાલ ઘટનાક્રમની તપાસ માટે સમિતિ રચી છે. પરંતુ કેન્દ્ર રાજ્ય સરકારના પગલાંથી સંતુષ્ટ નથી.

ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીના કાફલાને રોકવાની સજા માત્ર 200 રૂપિયા છે. કારણ કે પંજાબ પોલીસે ઘટનામાં જે FIR દાખલ કરી છે તેમાં આઇપીસીની કલમ 283 લગાવાઈ છે. આ કલમ હેઠળ 200 રૂપિયાના દંડની જોગવાઈ છે. અને આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે. આરોપીએ કોર્ટ સુધી જવાની પણ જરૂર નથી. પંજાબ પોલીસે FIRમાં કોઈનું નામ પણ નથી લખ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે ફરિયાદમાં વડાપ્રધાન મોદીના કાફલાને રોકાયો હોવાનો વાતનો કોઈ ઉલ્લેખ જ નથી. SPG એક્ટ પણ લગાવાયો નથી.

(12:20 am IST)