મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

ભૂકંપની તીવ્રતાના કારણે ૧૦ ફૂટ ખસી ગયું તુર્કી : શકિતશાળી ભૂકંપે બંને દેશોને ખેદાનમેદાન કરી નાખ્‍યા

તુર્કીમાં મૃતકોની સંખ્‍યામાં હજુ પણ વધારો થઇ રહ્યો છે

નૂરદાગી તા. ૮ : તુર્કી અને સીરિયામાં આવેલા શક્‍તિશાળી ભૂકંપે જબરજસ્‍ત તારાજી સર્જી છે. અહી સ્‍થિતિ સામાન્‍ય નથી. અનેક ઈમારતો ધરાશાયી થઈ છે અને વિનાશક ભૂકંપના કારણે ૭૮૦૦ લોકોનાં મોત થયા છે. એક બાદ એક આવેલા ભૂકંપના કારણે અનેક લોકોનાં મોત થયા છે અને આ મૃત્‍યુઆંક હજુ પણ વધી શકે છે. લોકો પોતાના લોકોના કાટમાળ નીચે શોધી રહ્યાં છે. આ દરમિયાન એક્‍સપર્ટે એક જરુરી સૂચના આપી છે. તેઓએ જણાવ્‍યું છે કે, ભૂકંપ એટલો બધો શક્‍તિશાળી હતો કે તુર્કી ૧૦ ફૂટ સુધી ખસી ગયું છે.

ઈટલીના ભૂકંપ વિજ્ઞાની ડોક્‍ટર કાર્લો ડોગ્‍લિયોનીએ આ અંગે વિસ્‍તૃત જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, સીરિયાની સરખામણીમાં તુર્કીની ટેક્‍ટોનિક પ્‍લેટ ૫-૬ મીટર સુધી ખસી શકે છે. ખરેખરમાં તુર્કી અને મેન ફોલ્‍ટલાઈન પર સ્‍થિત છે. આ એનાટોલિયન પ્‍લેટ, અરેબિયન પ્‍લેટ અને યુરેશિયાઈ પ્‍લેટ સાથે જોડાયેલી છે. આ જ કારણે અહીં ભૂકંપ આવવાનો ખતરો સૌથી વધારે છે. ત્‍યાંના હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એનાટોલિયન પ્‍લેટ અને અરેબિયન પ્‍લેટની વચ્‍ચે ૨૨૫ કિલોમીટરની ફોલ્‍ટલાઈન તૂટી ગઈ છે.

બીજી તરફ, ડરહમ યુનિવર્સિટીના સ્‍ટ્ર્‌ક્‍ચરલ જીયોલોજીના પ્રોફેસર ડોક્‍ટર બોબ હોલ્‍ડવર્થે કહ્યું કે, ભૂકંપની તીવ્રતા જોઆ ટેક્‍ટોનિક પ્‍લેટ શિફટ થાય એ તર્કસંગત કહી શકાય છે. ખરેખરમાં ભૂકંપની તીવ્રતા અને ટેક્‍ટોનિક પ્‍લેટ્‍સ ખસવી એ બંને વચ્‍ચે સીધો સંબંધ છે. જો કે, આમાં કંઈ પણ એવું નથી કે જે અટપટું લાગે.

તુર્કીમાં ત્રણ મહિના સુધી ઈમરજન્‍સીની જાહેરાત કરવામાં આવી છે. અહીં તમામ સ્‍કૂલોને ૧૩ ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. એટલું જ નહીં તમામ સરકારી ઈમારતોને શેલ્‍ટર હોમ બનાવવામાં આવી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદુગાને કહ્યું કે, અત્‍યાર સુધીમાં ૭૦ દેશ અને ૧૪ આંતરરાષ્ટ્રીય સંગઠનોએ મદદ કરી છે. તુર્કી જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે આ મોટી મુસીબત છે. તુર્કીમાં ૧૦ હજાર કન્‍ટેનરને શેલ્‍ટર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.

(10:42 am IST)