મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

ભયાનક ભૂકંપને કારણે તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 11,200ને પાર કરી ગયો

દુર્ઘટનામાં હજારો ઈમારતોને નુકસાન :બે કરોડ 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા

નવી દિલ્હી ; તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે તુર્કી અને પડોશી સીરિયામાં મૃત્યુઆંક 11,200ને પાર કરી ગયો છે. સીરિયામાં મૃત્યુનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. જોકે, સરકારી મીડિયા અને બચાવ ટીમનું કહેવું છે કે અહીં 2,500થી વધુ લોકોના મોત થયા છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.આ દુર્ઘટનામાં હજારો ઈમારતોને નુકસાન થયું છે અને બે કરોડ 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

કડકડતી ઠંડી વચ્ચે રાહત અને બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને ઝડપથી શોધી રહ્યા છે. પરંતુ સમય તેના હાથમાંથી સરકી રહ્યો છે. સાથે જ ભૂકંપ બાદ રસ્તાઓ પર રહેવા મજબૂર બનેલા લોકો સામે ઠંડી સહન કરવાનો પડકાર છે. તુર્કીના કેટલાક શહેરોમાં સામાન્ય નાગરિકો પણ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવામાં બચાવકર્મીઓની મદદ કરી રહ્યા છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆને ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત દસ પ્રાંતોમાં ત્રણ મહિનાની કટોકટી લાગુ કરી છે. ભારત, અમેરિકા, ઈઝરાયેલ સહિત ડઝનબંધ દેશો તુર્કી અને સીરિયામાં રાહત સામગ્રી તેમજ નિષ્ણાતોની ટીમ બચાવ કાર્યમાં મદદ માટે મોકલી રહ્યા છે.

સોમવારે વહેલી સવારે તુર્કીના ગાઝિયાંટેપમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. થોડી મિનિટો પછી, મધ્ય તુર્કીમાં બીજો 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

(11:38 pm IST)