મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

ભારતે અમેરિકા-બ્રાઝીલને પાછળ રાખી દીધું

રવિવારે એકલા ભારતમાં વિશ્વના કુલ ૪૦ ટકા નવા કેસ નોંધવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૮: દુનિયામાં કોરોના કેસમાં લાંબા સમયથી સૌથી અસરગ્રસ્ત રહેલા અમેરિકા અને બ્રાઝિલને હવે ભારત પાછળ છોડી રહ્યું છે. અઠવાડિયાના અંતમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં ભારતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડી દીધા છે. ભારત ધીમે-ધીમે કોરોના કેસમાં સૌથી ટોપ તરફ ગતિ કરી રહ્યું છે. દેશમાં દુનિયાના ૪૦% કેસ રવિવારે ભારતમાં નોંધાયા છે.

બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૨૭૩ કેસ નોંધાયા છે, જયારે વધુ ૩૦૦ના મોત થયા છે. બ્રાઝિલના કુલ કેસનો આંકડો ૪૧,૪૭,૭૯૪ કેસ નોંધાયા છે, જયારે વાયરસના કારણે ૧,૨૭,૦૦૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મેકિસકોમાં ૩,૪૮૬ નવા કેસ નોંધાયા છે અને ૨૨૩ દર્દીઓના મોત થયા છે.

ભારતની વાત કરીએ તો સોમવારે સતત પાછલા દિવસોમાં ૯૦,૦૦૦ને પાર કેસ નોંધાયા બાદ ઘટાડો નોંધાયો છે. સોમવારે ૭૪,૯૬૦ કેસ નોંધાયા છે, જોકે, ૨૪ કલાકમાં નોંધાયેલા વધુ ૧,૧૨૫ દર્દીઓના મોત બાદ કુલ આંકડો ૭૨,૭૨૫ થયો છે. ભારતમાં કોરોના કેસ જે ગતિએ વધી રહ્યા છે તેની સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. એક મહત્વનો મુદ્દો એ પણ છે કે ભારતમાં સતત નવા કેસ વધી રહ્યા છે છતાં બાકી દેશોની સરખામણીમાં અહીં મૃત્યુઆંક ઘણો જ કાબૂમાં છે.

Johns Hopkins યુનિવર્સિટીના ગ્લોબલ કોરોના ડેટા પ્રમાણે કોરોના કેસમાં અમેરિકા બાદ ભારત બીજા નંબરે છે અને આ પછી અનુક્રમે બ્રાઝિલ, રશિયા, પેરુ, કોલમ્બિયા, સાઉથ આફ્રીકા, મેકિસકો અને સ્પેન આવે છે. મૃત્યુઆંકની દૃષ્ટીએ જોઈએ તો અમેરિકામાં ૧.૯ લાખ અને બ્રાઝિલમાં ૧.૨ લાખ જેટલા કેસ નોંધાયા છે. જેની સામે ભારતમાં ૭૪ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. એટલે કે પહેલા નંબરે રહેલા બે દેશોની સરખામણીમાં ભારતમાં મૃત્યુઆંકની ગતિ ધીમી છે.

(10:01 am IST)