મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

એમ્બ્યુલન્સનો રસ્તો રોકવો ભારે પડ્યોઃ કાર ચાલકને ૧૧,૦૦૦નો દંડ

હાર્ટ એટેકના દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને કાર ચાલકે રસ્તો ન આપતા દર્દીનું રસ્તામાં જ મોત નીપજયું હતું

મૈસુર,તા.૮: એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો માનવતાની સાથે-સાથે મોટર વ્હીકલ એકટ અંતર્ગત ગુનો છે. કર્ણાટકના મૈસુરમાં એક કાર ચાલકે એમ્બ્યુલન્સને રસ્તો ન આપતા ટ્રાફિક વિભાગે તેને ભારે દંડ ફટકાર્યો છે. ગત શનિવારે હાર્ટ એટેકના દર્દીને લઈ જતી એમ્બુલન્સને રસ્તો ન આપનારા કાર ચાલકને રૂ. ૧૧ હજારનો દંડ ફટકારાયો છે. એમ્બુલન્સનો રસ્તો રોકવામાં આવતા દર્દીને સમયસર સારવાર મળી શકી ન હતી અને તેનું મોત નીપજયું હતું.

મૈસુર શહેરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એસએન સંદેશ કુમારે જણાવ્યું કે, હાસન વિસ્તારમાં રહેતા જયનાથ નામના આ કારચાલકને ઈમરજન્સી કેસ લઈને જઈ રહેલા વાહનને રસ્તો ન આપવા બદલ રૂ. ૧૦ હજાર અન જોખમી રીતે વાહન ચલાવવા માટે રૂ. ૧ હજારનો દંડ કરાયો છે. કુમારે જણાવ્યું કે, તેને મોટર વ્હીકલ (અમેડમેન્ટ) એકટ ૨૦૧૯ અંતર્ગત આ દંડ કરવામાં આવ્યો છે.

ગત ૨૨ ઓગસ્ટે ચિકમગલુરુના ૮૫ વર્ષના ચંદ્રશેખર આચાર્યને હાર્ટ એેટેક આવ્યો હતો. તેમને એમ્બુલન્સ દ્વારા મૈસુરની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. રાત્રે ૮.૩૦ કલાકે એમ્બ્યુલન્સ દર્દીને લઈને હુન્સુર રોડ પર આવેલા બેલાવડી જંકશને પહોંચી ત્યારે એક કારચાલકે રોડ બ્લોક કરી દીધો હતો.

એમ્બ્યુલન્સની સાયરન સતત વાગી રહી હતી અને તેના ડ્રાઈવર કિશોરે સતત હોર્ન માર્યા હોવા છતાં કારચાલક જયનાથે પોતાની કાર હટાવવાની ના પાડી દીધી. જયનાથે પોતાની કાર રોડની વચ્ચોવચ્ચ ઊભી રાખી દીધી હતી. આખરે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે નીચે ઉતરીને જયનાથને કાર હટાવવા કહેવું પડ્યું. જોકે, જયનાથે તેમ છતાં કાર હટાવવાની ના પાડી દીધી. એટલું જ નહીં, દર્દીના સગાઓએ પણ જયનાથને વિનંતી કરી, પણ તે ન માન્યો. આ માથાકૂટમાં ૧૫ મિનિટ જેટલો સમય બગડ્યો. તે પછી જયારે એમ્બુલન્સ ચંદ્રશેખરને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ચૂકયું હતું અને ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. ડોકટરોએ કહ્યું કે, તેમને લાવવામાં મોડું થતાં મોત થયું.

(11:57 am IST)