મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

કોરોનાને કારણે ૧૫.૫ લાખ કરોડની કોર્પોરેટ લોન ઉપર સંકટના વાદળો : બેંકોને ચૂનો લાગવાના એંધાણ

૨૩.૭૧ લાખ કરોડ રૂપિયા એટલે કે ૪૫ ટકા લોન પહેલેથી ફસાયેલી છે : નવા આંકડા જોડીએ તો બેંકોની કુલ લોનના ૭૨% એટલે કે રૂ. ૩૭.૭૨ લાખ કરોડની રકમ ફસાયેલી છે

નવી દિલ્હી તા. ૮ : કોરોનાના લીધે ૧૫.૫૨ લાખ કરોડ રૂપિયાની કોર્પોરેટ લોન પર સંકટ ઉભુ થયું છે. આ રકમ બેંકીંગ સેકટર દ્વારા બહાર પડેલી કુલ લોનના ૨૯.૪ ટકાની બરાબર છે. માર્ચના અંતિમ સપ્તાહમાં કોરોના સંકટને પહોંચી વળવા માટે લાગુ કરેલા લોકડાઉન બાદ તે સ્થિતિ ઉભુ થઇ છે. લોન રિ-સ્ટ્રકચરીંગનો પ્લાન તૈયાર કરતી કેવી કામથ કમિટિનું કહેવું છે કે દેશમાં ૨૩.૭૧ લાખ કરોડ એટલે કે ૪૫ ટકા લોન પહેલેથી જ ફસાયેલી હતી. હવે નવા આંકડાને પણ જોડવામાં આવે તો બેંકો તરફથી જાહેર કુલ લોનનો ૭૨ ટકા ભાગ એટલે કે ૩૭.૭૨ લાખ કરોડની રકમ ફસાયેલી છે. આ રકમની ચુકવણીમાં લોન ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કામથ પેનલે કહ્યું છે કે રિટેલ ટ્રેડ, હોલસેલ ટ્રેડ, રોડ ટેક્ષટાઇલ જેવા સેકટર્સમાં કામ કરતી કંપનીઓની સ્થિતિ ખરાબ છે. આ ઉપરાંત સ્ટીલ, એનબીએફસી, પાવર, રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન જેવા સેકટર કોરોનાથી પહેલા જ સંકટના દોરમાંથી પસાર થઇ રહ્યા હતા. કોરોનામાં રીટેલ અને હોલસેલ ટ્રેડ સાથે જોડાયેલી કંપનીઓના ૫.૪૨ લાખ કરોડ રૂપિયાની લોન પર અસર પડી છે. કામથ કમિટિની રીપોર્ટ બાદ આરબીઆઇએ ઓટો મોબાઇલ, રીયલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન, પાવર, એમએફસીજી, હોટલ, રેસ્ટોરન્ટ જેવા ૨૬ ઔદ્યોગિક સેકટરોની ચુકવણી લોનની રિસ્ટ્રકચરીંગનો રસ્તો સાફ કર્યો છે.

રીટેલ અને હોલસેલ ટ્રેડ ઉપરાંત રોડ સેકટરના ૧.૯૪ લાખ કરોડ રૂપિયા અને રોડ સેકટરના ૧.૮૯ લાખ કરોડ રૂપિયાની લોન પર અસર પડી છે. આ ઉપરાંત એન્જીનિયરીંગ, પેટ્રોલિયમ, પોર્ટસ, સીમેન્ટ, કેમિકલ્સ અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ પર પણ અસર થશે. રીપોર્ટના જણાવ્યા મુજબ કોરોનાથી પહેલા જ એનબીએફસીને જાહેર ૭.૯૮ લાખ કરોડ રૂપિયાની લોન ફસાયેલી હતી. આ ઉપરાંત પાવર સેકટરના ૫.૬૯ લાખ કરોડ અને સ્ટીલના ૨.૬૬ લાખ કરોડની લોન પર સંકટની સ્થિતિ હતી.

કામથ કમિટિએ તેમના રીપોર્ટમાં કહ્યું છે કે કોરોના સંકટે કંપનીઓને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાની અસર દરેક સેકટર્સ પર પડી છે.

(3:31 pm IST)