મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

તાજેતરમાં પીએમ મોદીને મળનાર

રાકેશ ઝુનઝુનવાલાએ કયારેક લોકશાહીને ગણાવી હતી વિકાસની સૌથી મોટી બાધા

વડાપ્રધાન મોદી સાથેની તસ્વીરથી ચર્ચામાં રાકેશ ઝુનઝુનવાલા

નવી દિલ્હી, તા.૮: વડાપ્રધાન મોદીએ મંગળવારે શેરબજારના મશહુર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સાથે મુલાકાત કર્યા પછી એક તસ્વીર શેર કરી તો તે ફોટો સોશ્યલ મીડીયા પર વાયરલ થવા લાગ્યો. તેમની મુલાકાતવાળી તસ્વીર પર તમામ પ્રકારના રીએકશન આપવા લાગ્યા. ભૂતકાળમાં રાકેશ ઝુનઝુનવાલાએ લોકશાહીને વિકાસમાં સૌથી મોટી બાધા ગણાવી હતી.

વડાપ્રધાનની ઝુનઝુનવાલા સાથેની તસ્વીર પર કેટલાક લોકો ટીકાત્મક રીતે કહેવા લાગ્યા કે કયારેય આ વડાપ્રધાનને કોઇ વેપારી સામે આવી રીતે ઉભેલા જોયા છે તો કેટલાક લોકો ઝુનઝુનવાલાનું ખુરશી પર બેસી રહેવાનું કારણ બતાવવા લાગ્યા. કેટલાક યુઝર્સ તો ઝુનઝુનવાલાનું ઇસ્ત્રી વગરનું કરચલીવાળુ શર્ટ પર કોમેન્ટ કરતા કહેવા લાગ્યા કે થોડા શેર વેચીને એક ઇસ્ત્રી ખરીદી લો.

રાકેશ ઝુનઝુનવાલા આ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા જયારે તેમણે ૨૦૧૯ની લોકસભા ચુટણી પહેલા કહ્યું હતું કે લોકશાહી ભારતના વિકાસમાં સૌથી મોટી બાધા છે, એ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે એનડીએને ૩૦૦ થી વધારે બેઠકો મળશે.

માહિતી માટે જણાવી દઇએ કે રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારમાં રોકાણ દ્વારા ૩૪ કરોડ થી વધારે રૂપિયાની સંપત્તિ બનાવી છે. હાલમાં જ રાકેશ અને તેમની પત્નિ રેખાની ટાઇટન કંપનીમાં ૪.૮૧ ટકાની ભાગીદારી હોવાથી કંપનીના શેરમાં ઉછાળાથી તેમના શેરોની કિંમત ૮૫૪ કરોડ રૂપિયા વધી ગઇ છે.

(1:19 pm IST)