મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુરોપને ઉર્જા સંકટમાંથી બચાવશે

વ્લાદિમીર પુતિનના નિર્ણય પછી કુદરતી ગેસના ભાવમાં લગભગ 22 ટકાનો ઘટાડો થયો

નવી દિલ્હી :  યુરોપ હાલમાં ઉર્જાના મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. આ ક્ષેત્રના કેટલાક દેશોમાં ગેસના ભાવમાં કેટલાક ટકાનો વધારો થયો છે. હવે રશિયા યુરોપની મદદ માટે આગળ આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નક્કી કર્યું છે કે તેઓ યુરોપમાં ગેસ સપ્લાય કરશે. વ્લાદિમીર પુતિનના આ નિર્ણય પછી, પ્રદેશમાં કુદરતી ગેસના ભાવમાં લગભગ 22 ટકાનો ઘટાડો થયો છે.

ગયા બુધવારે, પુતિને જાહેરાત કરી હતી કે તેમનો દેશ યુરોપમાં ગેસ પુરવઠો વધારશે તેવી જાહેરાત કર્યા બાદ ગેસના ભાવ ઘટવા લાગ્યા હતા. પુતિને ઉર્જા વિકાસ અંગેની બેઠકમાં આ માહિતી આપી હતી.

આ બેઠકમાં રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાક પણ હાજર હતા. ડેપ્યુટી પીએમને સંબોધતા પુતિને કહ્યું, ‘તમે પ્રસ્તાવ મૂક્યો હતો કે યુરોપમાં કટોકટીને જોતા બજારમાં ગેસનો પુરવઠો વધારવો જોઈએ અને વધતી માંગને ઘટાડવા માટે આ કરી શકાય છે.’

પુતિને રશિયાની રાજ્ય ઉર્જા એજન્સી ગેઝપ્રોમને પણ યુક્રેન મારફતે યુરોપિયન યુનિયન (EU) ને ગેસ ડિલિવરી ચાલુ રાખવા અપીલ કરી છે. જોકે પુતિને યુક્રેનમાંથી પસાર થતી નવી પાઇપલાઇનો દ્વારા ગેસ પુરવઠો વધારવાનો ઇનકાર કર્યો છે.

યુરોપમાં ઉર્જા સંકટને કારણે રશિયાની ઘણા લોકોએ ટીકા કરી હતી. ટીકાકારોએ રશિયા પર આ મુશ્કેલ સમયમાં પણ પુરવઠો બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે કટોકટી વધી રહી છે. લોકોએ પુતિનને યાદ કરાવ્યું કે ઇતિહાસમાં ક્યારેય એવો સમય આવ્યો નથી જ્યારે ગેઝપ્રોમે ગ્રાહકોને સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હોય.

 

યુરોપમાં કુદરતી ગેસ અને વીજળીની વધતી કિંમતે ઇયુ અને રશિયા વચ્ચેના સંબંધોમાં નવી સમસ્યાઓ મૂકી છે. ઇયુ માને છે કે રશિયન કંપની ગેઝપ્રોમે જાણી જોઈને ગેસ મોંઘો બનાવ્યો છે. પાંચ મુખ્ય યુરોપિયન દેશો – ફ્રાન્સ, સ્પેન, ચેક રિપબ્લિક, રોમાનિયા અને ગ્રીસ – ગેસની કિંમત રેકોર્ડ ઉંચાઈએ પહોંચવાની તપાસની માંગ કરી છે. આ દેશોએ કહ્યું છે કે, આ ફુગાવાના મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ.

ક્રેમલિન દ્વારા તમામ આરોપો અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, ગેસના ભાવમાં વધારો અનેક કારણોસર થયો છે. કેટલાક શિખાઉ હશે જે આ પરિસ્થિતિઓ માટે રશિયાને જવાબદાર ઠેરવશે. તેમણે કહ્યું કે, આ સમયે યુરોપમાં પ્રવર્તતી પરિસ્થિતિનું મુખ્ય કારણ રોગચાળા પછીની સ્થિતિમાં અર્થતંત્રમાં સુધારો છે. તેમણે કહ્યું કે આ સમયે ઉર્જાનો વપરાશ વધ્યો છે અને ગેસ સંકટ ઉભું થયું છે.

(9:53 pm IST)