મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

રોહિંગ્યા મુસલમાનોના નરસંહાર માટે ફેસબુકને જવાબદાર :કંપની સામે 150 અબજ પાઉન્ડ નુકસાનીનો કેસ માંડયો

બર્મામાં આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની હાજરીના ફાયદા ખૂબ ઓછા હતા, જ્યારે તેના ઉપયોગથી રોહિંગ્યા મુસ્લિમોના હિતોને નુકસાન ઘણું થયું,

નવી દિલ્હી :સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. થોડા દિવસો પહેલા વોટ્સએપને યુરોપીય સંઘના ડેટા પોલિસીના ઉલ્લંઘનને લઈને 225 મિલિયન યુરો (આશરે 1,942 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે ફેસબુક સામે નવી સમસ્યા ઊભી થઈ છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોના નરસંહાર માટે ફેસબુકને જવાબદાર ઠેરવતા કંપની સામે 150 અબજ પાઉન્ડ વળતરનો કેસ ઠોકવામાં આવ્યો છે.

ફેસબુક પર આ કેસ સાન ફ્રાન્સિસ્કોમાં દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણપૂર્વ એશિયાના એક નાના એવા દેશના બજારમાં પોતાની પકડ બનાવવા માટે પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ફેસબુકે પોતાના પ્લેટફોર્મના માધ્યમથી નફરત ફેલાવનારી વાતો અને ભાષણને પ્રોત્સાહન આપ્યું.

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ફેસબુકનું અલ્ગોરિધમ એવું છે કે તે દ્વેષપૂર્ણ ભાષણોને પ્રોત્સાહન આપે છે અને આવી પોસ્ટ્સ સામે અમેરિકા અને યુકેમાં શરુ થયેલી કાનૂની કાર્યવાહી પછી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોસ્ટ દૂર કરવામાં આવી નથી.

ફેસબુક વિરુદ્ધ નોંધવામાં આવેલી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે, બર્મામાં આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની હાજરીના ફાયદા ખૂબ ઓછા હતા, જ્યારે તેના ઉપયોગથી રોહિંગ્યા મુસ્લિમોના હિતોને નુકસાન ઘણું થયું, તેમ છતાં તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

ફેસબુકે 2018માં સ્વીકાર્યું હતું કે તેણે મ્યાનમારમાં મુસ્લિમ લઘુમતી રોહિંગ્યા વિરુદ્ધ હિંસા અને અભદ્ર ભાષાવાળી પોસ્ટને રોકવા માટે પૂરતા પગલાં લીધાં ન હતા. કંપની દ્વારા કમિશન કરવામાં આવેલી એક સ્વતંત્ર રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 'ફેસબુક નફરત ફેલાવવાનું અને નુકસાન પહોંચાડવાનું મુખ્ય સાધન બની ગયું છે, અને પોસ્ટને ઓફલાઇન હિંસા સાથે જોડવામાં આવી છે'.

(12:48 am IST)