મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

૨૦૨૨ બિજિંગ ઓલિમ્પિકના બહિષ્કારની યુએસની જાહેરાત

યુએસ ચીનની ધમકીને ઘોળીને પી ગયું : બહિષ્કાર રાજકીય હોવાથી યુએસના ખેલાડીને તેમાં ભાગ લેવા પર રોક નહીં, અધિકારીઓ તેમાં ભાગ નહીં લે

વૉશિંગ્ટન, તા.૭ : ચીને વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી હોવા છતા અમેરિકાએ ૨૦૨૨માં બિજિંગમાં રમાનારી વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. આ બહિષ્કાર જોકે રાજકીય હોવાથી અમેરિકાના ખેલાડીઓને તેમાં ભાગ લેવા પર રોક નહીં લાગે.જોકે અમેરિકાના અધિકારીઓ તેમાં ભાગ નહીં લે.ચીનના કંગાળ માનવાધિકાર રેકોર્ડના કારણે બાઈડન સરકારે બહિષ્કારનુ એલાન કર્યુ છે. જોકે અમેરિકામાં ૨૦૨૮માં ઓલિમ્પિક યોજાવાની છે ત્યારે સવાલ ઉઠવા માંડ્યા છે કે, ચીન વળતા જવાબ તરીકે આ ઓલિમ્પિકના બહિષ્કારની કાર્યવાહી કરશે કે બીજી કોઈ રીતે અમેરિકાને જવાબ આપશે. આ પહેલા ચીને બાઈડન સરકારની ટીકા કરતા કહ્યુ હતુ કે, અમેરિકા રમતોમાં રાજકારણ ઘૂસાડવાની કોશિશ કરી રહ્યુ છે.

     ચીનના બિજિંગમાં વિન્ટર ઓલિમ્પિક માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ સાથે જ બિજિંગ વિન્ટર ઓલિમ્પિક અને સમર ઓલિમ્પિક એમ બંને પ્રકારની ઓલિમ્પિકની યજમાની કરનાર પહેલુ શહેર બની જશે.૨૦૦૮માં ચીનમાં સમર ઓલિમ્પિક યોજાઈ હતી. અમેરિકાની સાથે યુરોપના દેશો પણ વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરી શકે છે.અમેરિકાએ ચીનના ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર સામે રાજકીય બહિષ્કારનુ એલાન આપ્યુ છે.અમેરિકાનુ કહેવુ છે કે, તિબેટ અને હોંગકોંગમાં પણ માનવાધિકારની સ્થિતિ ચિંતાજનક છે. જોકે ચીન કહે છે કે, શિનજિયાંગ પ્રાંતનો મામલો ચીનનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ વિદેશી હસ્તક્ષેપ ચલાવી લેવામાં નહીં આવે.અમેરિકા ચીન પર ખોટા આરોપો મુકી રહ્યુ છે અને ચીનના લોકો સમક્ષ અમેરિકા હાંસીપાત્ર બની રહ્યુ છે.

(12:00 am IST)