મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

લાલ ુયાદવ પુત્ર તેજસ્વી યાદવના લગ્ન નક્કી, ટૂંકમાં દિલ્હીમાં સગાઈ થશે

રાજદના નેતાના પરિવારના દિલ્હીમાં ધામા : ૭ પુત્રી અને બે પુત્રોના લાલુ યાદવના પરિવારના તેજસ્વી પ્રસાદ સૌથી નાના હોવા છતાં રાજકીય વારસ મનાય છે

નવી દિલ્હી, તા.૮ : રાજદ નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવના લગ્ન નક્કી થઈ ગયા છે. આજે અથવા તો આવતી કાલે દિલ્હી ખાતે તેમની સગાઈ પણ થઈ શકે છે. સમગ્ર લાલુ પરિવાર હાલ દિલ્હીમાં છે. તેજસ્વી અને તેજ પ્રતાપ બંને લાલુ યાદવ સાથે દિલ્હીમાં છે. આ ઉપરાંત રાબડી દેવી અને મીસા ભારતી પણ ત્યાં હાજર છે. જાણવા મળ્યા મુજબ સગાઈમાં ફક્ત ૫૦ ખાસ સંબંધીઓ જ સામેલ થશે.  લાલુ યાદવને ૭ દીકરીઓ અને ૨ દીકરા છે. તેજસ્વી યાદવ (૩૨ વર્ષ) સૌથી નાના છે. જોકે તેજસ્વી યાદવ લાલુ યાદવના રાજકીય વારસ ગણાય છે. લાલુની અનુપસ્થિતિમાં તેઓ જ પાર્ટી સાથે સંકળાયેલા તમામ નિર્ણયો લઈ રહ્યા હતા. તેજસ્વી હાલ બિહારમાં વિપક્ષના નેતા પણ છે.  તેજસ્વી યાદવ રાઘોપુર બેઠકના ધારાસભ્ય છે. તેઓ ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે ક્રિકેટમાં પણ હાથ અજમાવેલો છે. તેઓ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી રમી ચુક્યા છે અને ઝારખંડ ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચુક્યા છે.  તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપના લગ્ન ૨૦૧૮ના વર્ષમાં થયા હતા. તેમના લગ્ન ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થયા હતા. જોકે લગ્નના અમુક મહિનાઓ બાદ જ તેજ પ્રતાપે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી હતી. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હાઈ વોલ્ટેડ ડ્રામા બાદ આખરે બંનેના ડિવોર્સ થઈ ગયા છે.

 

 

 

કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબે જમીન દાન કરી હતીઃ અમીનુલ ઈસ્લામે

એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામનો દાવો : નિવેદનને લઈ આસામના મુખ્યમંત્રીએ નારાજ, ફરી કોઈ આ પ્રકારનું નિવેદન આપશે તો જેલમાં મોકલા ચેતવણી

 દિસપુર, તા.૮ : આસામના ઢિંગ વિધાનસભા ક્ષેત્રથી એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે કરેલા દાવા પ્રમાણે માતા કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબે જમીન દાન કરી હતી. ધારાસભ્યના આ નિવેદનને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, તમારો એક ધારાસભ્ય જેલમાં છે અને જો ફરી કોઈ આ પ્રકારનું નિવેદન આપશે તો તેને પણ જેલમાં મોકલી દેવામાં આવશે.

અમીનુલ ઈસ્લામે કહ્યું હતું કે, ઔરંગઝેબે ભારતમાં અનેક સો મંદિરો માટે જમીનનું દાન કર્યું હતું. તેણે વારાણસી ખાતે જંગમવાડી મંદિરને પણ ૧૭૮ હેક્ટર ભૂમિનું દાન કર્યુ હતું. કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબનું ભૂમિ અનુદાન હજુ પણ બ્રિટિશ સંગ્રહાલયમાં પ્રદર્શિત છે.

આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાએ એઆઈયુડીએફના ધારાસભ્યની વિવાદિત ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તેમની સરકારમાં આ પ્રકારના નિવેદનો નહીં સહન કરવામાં આવે. આ પ્રકારના નિવેદનના કારણે જ ધારાસભ્ય શર્મન અલી હજુ પણ જેલમાં છે. જો અમીનુલ ફરી આ પ્રકારનું નિવેદન આપશે તો તેણે પણ જેલમાં જવું પડશે. મારી સરકારમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ વિરૂદ્ધના નિવેદનો નહીં સહન કરવામાં આવે. જો તે બહાર રહેવા માગે છે તો તે અર્થશાસ્ત્રની વાત કરી શકે છે અને અમારી ટીકા પણ કરી શકે છે. મા કામાખ્યા, શંકરદેવ, બુદ્ધ, મહાવીર જૈન અને ત્યાં સુધી કે પૈગંબર મોહમ્મદને પણ કોઈએ પોતાની વાતમાં ઢસડવાના નથી.

આ બધા વચ્ચે કુટુંબ સુરક્ષા મિશન નામના એક હિંદુ સંગઠને એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામના નિવેદનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(7:40 pm IST)