મુખ્ય સમાચાર
News of Thursday, 8th December 2022

નિર્મલા સીતારામણ વર્લ્‍ડની Top-૧૦૦ મહિલાઓમાં સામેલ

ફોર્બ્‍સ મેગેઝિને ૨૦૨૨ની ૧૦૦ પ્રભાવશાળી મહિલાનું લિસ્‍ટ બહાર પાડયું : ભારતની કુલ છ મહિલાઓ સામેલઃ નિર્મલા સીતારામણ આ વખતે ૩૬મા ક્રમે આવ્‍યાં:કિરણ મજમૂદાર, ફાલ્‍ગુની નાયર, માધવી પુરી, સોમા મંડલ, રોશની નાદર સામેલ

નવી દિલ્‍હી,તા. ૮ : દુનિયાના સૌથી પ્રતિષ્ઠ મેગેઝિન ફોર્બ્‍સ મેગેઝિને ૨૦૨૨ના વર્ષની ૧૦૦ પ્રભાવશાળી યાદી બહાર પાડી છે. ૨૦૨૨ની યાદીમાં ભારતની ટોટલ ૬ મહિલાઓને પ્રભાવશાળી મહિલા બનવાનું ગૌરવ સાંપડ્‍યું છે.

ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારામણ, બાયોકોનના એક્‍ઝિક્‍યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શો અને નાયકાના

સ્‍થાપક ફાલ્‍ગુની નાયર, એચસીએલ ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્‍હોત્રા, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને  અને સ્‍ટીલ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાના ચેરપર્સન સોમા મંડલ સામેલ છે.

સીતારામણને આ વખતે ૩૬માં સ્‍થાન મળ્‍યું છે અને તેમણે સતત ચોથી વખત આ યાદીમાં સ્‍થાન મેળવ્‍યું છે. અગાઉ ૨૦૨૧માં તેઓ ૩૭માં ક્રમે હતા, ૨૦૨૦માં ૪૧માં અને ૨૦૧૯માં ૩૪માં ક્રમે હતા.

ફોર્બ્‍સે મંગળવારે જાહેર કરેલી યાદી અનુસાર આ વર્ષે નિર્મલા સીતારામણ ૩૬મા ક્રમે, મઝુમદાર-શો ૭૨મા ક્રમે છે, જયારે નાયર ૮૯મા ક્રમે છે. આ યાદીમાં સામેલ અન્‍ય ભારતીયોમાં રોશની નાદર મલ્‍હોત્રા (૫૩મા ક્રમે), માધવી પુરી બુચ (૫૪મા) અને સોમા મંડલ (૬૭મા ક્રમે)નો સમાવેશ થાય છે.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને વિશ્વની ૧૦૦ સૌથી શક્‍તિશાળી મહિલાઓની યાદીમાં ટોચનું સ્‍થાન મેળવ્‍યું છે. યુક્રેન યુદ્ધ દરમિયાન તેમના નેતૃત્‍વ માટે અને કોવિડ -૧૯ રોગચાળાનો સામનો કરવાના તેમના પ્રયત્‍નો બદલ તેમને નંબર વનનું સ્‍થાન મળ્‍યું હતું.  યુરોપિયન સેન્‍ટ્રલ બેન્‍કના પ્રમુખ ક્રિસ્‍ટીન લેગાર્ડેને બીજા સ્‍થાને રાખવામાં આવ્‍યા છે, જયારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ યાદીમાં ત્રીજા સ્‍થાને છે.  ઈરાનની જીના મહસા અમિનીને મરણોપરાંત પ્રભાવશાળી યાદીમાં ૧૦૦મું સ્‍થાન મળ્‍યું છે.

(10:55 am IST)