મુખ્ય સમાચાર
News of Thursday, 8th December 2022

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરૂધ્‍ધ લખનઉમાં એફઆઇઆર દાખલ

ગણેશ આચાર્યને પોલીસે દગાખોરી અને ષડયંત્ર મામલે આરોપી ઠેરવ્‍યા છે

લખનૌ,તા.૮ : બોલિવૂડના કોરિયોગ્રાફર તેમજ એક્‍ટર ગણેશ આચાર્યને ગોમતીનગર પોલીસે દગાખોરી અને ષડયંત્ર મામલે આરોપી ઠેરવ્‍યા છે. ૩૧ ઓક્‍ટોબરના ગોમતીનગર થાણામાં દાખલ એફઆઇઆરમાં ગણેશ આચાર્યનું નામ પણ નોંધવામાં આવ્‍યું છે. આ એફઆઇઆરમાં ‘દેહાતી ડિસ્‍કો' ફિલ્‍મના પ્રોડ્‍યૂસર કમલ કિશોર વિરુદ્ધ નોંધવામાં આવી હતી. પીડિતે પોતાની ફરિયાદમાં ગણેશ આચાર્યનું નામ પણ લખ્‍યું હતું. પણ પોલીસે એફઆઇઆરમાં તેમનું નામ નોંધ્‍યું નહોતું. પછીથી પોલીસે ગણેશ આચાર્યનું આ મામલે નામ નોંધ્‍યું.

૩૦ ઓક્‍ટોબરના માનકનગરના રહેવાસી મધુસૂદન રાવે ગોમતીનગર એલ્‍ડિકો રહેવાસી ફિલ્‍મ પ્રોડ્‍યૂસર કમલ કિશોર વિરુદ્ધ દગાખોરી, ષડયંત્ર રચવા અને ધમકાવવાનો રિપોર્ટ નોંધાવ્‍યો હતો. પીડિતનો આરોપ હતો કે તેણે ‘દેહાતી ડિસ્‍કો' નામની ફિલ્‍મના શૂટિંગ દરમિયાન કેટરિંગનું સંપૂર્ણ કામ કર્યું હતું. આ દરમિયાન તેમનું ૭.૩૭ લાખ રૂપિયાનું પેમેન્‍ટ થતું હતું, જે ફિલ્‍મ પ્રોડ્‍યૂસર કમલ કિશોરે આપ્‍યું નહોતું. આરોપ એ પણ હતો કે પૈસા ફરી માગવા પર કમલ કિશોરે પીડિતને ધમકાવ્‍યો પણ હતો.

એડીસીપી પૂર્વી અલી અબ્‍બાસે જણાવ્‍યું કે મધુસૂદન રાવે પોતાની ફરિયાદમાં એ આરોપ મૂક્‍યો હતો કે તેમને કેટરિંગનું કામ ગણેશ આચાર્યએ અપાવ્‍યું હતું. કામ પૂરું થયા બાદ તેમણે પેમેન્‍ટ આપ્‍યું નહીં. પીડિતનો આરોપ હતો કે પેમેન્‍ટ ન થવા પર ગણેશ આચાર્ય અને ફિલ્‍મના પ્રોડ્‍યૂસર કમલ કિશોરે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. પીડિતે તેમના પર એ આરોપ મૂક્‍યો હતો કે ગણેશ આચાર્ય અને કમલ કિશોરે મળીને તેમના પૈસા પડાવી લીધા.

એડીસીપીએ જણાવ્‍યું કે પીડિતની ફરિયાદ બાદ ફિલ્‍મ પ્રોડ્‍યૂસર કમલ કિશોરનું નામ નોંધવામાં આવ્‍યું હતું, જયારે ગણેશ આચાર્યનું નામ ભૂલથી નોંધવામાં આવ્‍યું નથી. ફરિયાદની શરૂઆતમાં ૫ નવેમ્‍બરે ગણેશ આચાર્યના નામ કેસમાં પાછળથી જોડવામાં આવ્‍યું. એડીસીપીએ જણાવ્‍યું કે હવે તેમની આ મામલે ભૂમિકાની તપાસ કરવામાં આવશે.

એડીસીપી પૂર્વીએ જણાવ્‍યું કે ‘દેહાતી ડિસ્‍કો' નામની ફિલ્‍મના પ્રોડ્‍યૂસર કમલ કિશોર વિરુદ્ધ ગોમતીનગર થાણામાં દગાખોરી અને ષડયંત્રખોરીના પાંચ કેસ નોંધાયેલા છે. બુધવારે ગોમતીનગર પોલીસની એક ટીમ કમલ કિશોરની શોધમાં મુંબઈ મોકલવામાં આવી.

(9:56 am IST)