મુખ્ય સમાચાર
News of Wednesday, 9th June 2021

ઓગસ્ટથી ડીસેમ્બર વચ્ચે થશે સપ્લાય

સરકારે ૪૪ કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

૨૫ કરોડ કોવિશીલ્ડ અને ૧૯ કરોડ કોવેકસીનના ડોઝ

નવી દિલ્હી તા. ૯ : સરકારે કોરોના રસીના ૪૪ કરોડ ડોઝનો એડવાન્સ ઓર્ડર કંપનીઓને આપી દીધો છે. તેમાં કોવીશીલ્ડ રસીના ૨૫ કરોડ અને કોવેકસીન રસીના ૧૯ કરોડ ડોઝ સામેલ છે. નીતિ આયોગના સભ્ય વી.કે.પોલે ગઇકાલે કહ્યું કે, આ ડોઝનો સપ્લાય ઓગસ્ટથી ડીસેમ્બર વચ્ચે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ડોઝ માટે સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને ૩૦ ટકા રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવી પણ આપી છે.

જો કે આ ઓર્ડર માટે કેટલી રકમનું એડવાન્સ પેમેન્ટ કરાયું તેની ચોખવટ નથી કરાઇ. જો કે ઉદ્યોગજગતના સૂત્રો અનુસાર રસી ઉત્પાદકો બન્ને રસીના પ્રતિ ડોઝ ૧૫૦ રૂપિયાની કિંમત બાબતે ફરીથી ચર્ચા કરી શકે છે. એક રસી ઉત્પાદક કંપનીના સીનીયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, રસીની કિંમત બાબતે બે કારણોથી ફરીથી ચર્ચા થઇ શકે છે. પહેલું એ કે અત્યારે નિકાસ નથી થઇ રહી અને બીજું એ કે રાજ્યોને ઉંચી કિંમતે થનાર ૨૫ ટકા સપ્લાયનો નિર્ણય હવે પાછો ખેંચી લેવાયો છે.

આ રસીના દર મહિને થનાર સપ્લાય અંગે હજુ કંપનીઓએ કોઇ ચાર્ટ નથી બનાવ્યો. તેમને આગ્રહ કરાયો છે કે તેઓ આ ડોઝના સપ્લાય માટેનો ચાર્ટ ઉપલબ્ધ કરાવે.

(11:46 am IST)