મુખ્ય સમાચાર
News of Thursday, 9th June 2022

૧૮ જુલાઇએ રાષ્‍ટ્રપતિની ચૂંટણી

વર્તમાન રાષ્‍ટ્રપતિની મુદ્દત ૨૪ જુલાઇના રોજ પૂરી થાય છેઃ કુલ મતદારો ૪૮૦૯ : ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી બહાર પાડયુ જાહેરનામુઃ સાંસદોની વોટ વેલ્‍યુ ૫,૪૩,૨૦૦ રહેશે



નવી દિલ્‍હી તા.૯: દેશના ૧૬મા રાષ્‍ટ્રપતિની નિમણુંક માટે  ૧૮ જુલાઇએ ચૂંટણી યોજવામાં આવશે.  આ માટેનું જાહેરનામુ ૧૫ જુનના રોજ બહાર પડશે. ૨૧ જુલાઇના રોજ મતગણત્રીના રોજ હાથ ધરવામાં આવશે. ૨૯ જુન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને ૨૧ જુલાઇએ રાષ્‍ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે.
આજે બપોરે ચૂંટણી પંચે એક પત્રકાર પરીષદમાં રાષ્‍ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડયુ છે. અત્રે એ નોંધનીય છે કે, વર્તમાન રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળની મુદ્દત ૨૪ જુલાઇના રોજ પૂરી થાય છે.
રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે રાજ્‍યસભા, લોકસભાના સાંસદો અને વિધાનસભ્‍યો દ્વારા મતદાન કરવામાં આવશે. નોમિનેટ થયેલા સભ્‍યો મતદાન કરી નહીં શકે. ચૂંટણી પંચે જાહેર કર્યુ છે કે, વોટ આપવા માટે ૧, ૨, ૩ લખી પસંદગી જણાવવાની રહેશે.
ચૂંટણી પંચે વધુમાં જણાવ્‍યું હતું કે, ઉમેદવારીપત્ર દિલ્‍હીથી ઉપલબ્‍ધ થઇ શકશે.  સાંસદોની વોટ વેલ્‍યુ ૫,૪૩,૨૦૦ રહેશે. ચૂંટણીમાં કુલ ૪૮૦૯ મતદારો રહેશે. સંસદ અને વિધાનસભાઓમાં મતદાન થશે.
ચૂંટણી પંચે આજે જાહેરનામુ બહાર પાડતા જણાવ્‍યુ હતું કે, રાજ્‍ય વિધાનસભાઓમાં અને સંસદમાં મતદાન થઇ શકશે. વોટીંગ માટે ખાસ શાહીવાળી બોલપેન ઉપલબ્‍ધ કરાવવામાં આવશે તેવુ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે. રાજ્‍યસભાના મહાસચિવ ચૂંટણી પ્રભારી તરીકે રહેશે. રાજકીય પક્ષો કોઇપણ પ્રકારના વ્‍હીપ જારી કરી નહીં શકે. રાષ્‍ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવામાં આવશે. દિલ્‍હીમાં મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.

 

(3:30 pm IST)