મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

ચીનના બારેય બગડ્યા : હવે ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ ખરાબ

ઓસ્ટ્રેલિયાએ પત્રકારોને બેઈજિંગથી પાછા બોલાવ્યાઃ ચીન વિદેશી પત્રકારોને ધમકી આપે છે : યુએસનો આક્ષેપ

કેનબેરા, તા. ૮: ચીનના ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોમાં પણ તિરાડ પડી છે. ઓસ્ટ્રેલિયાએ બેઈજિંગ ખાતેના તમામ પત્રકારોને સ્વદેશ પાછા બોલાવી લીધા હતા. બીજી બાજુ અમેરિકાએ એવો આક્ષેપ કર્યો હતો કે ચીન વિદેશી પત્રકારોને ધાકધમકી આપી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનામાંજ તનાવ વધ્યો હતો. ખાસ કરીને ચીન દ્વારા ઓસ્ટ્રેલિયન પત્રકારોની ધરપકડ કરવાના બનાવે બંને દેશોને સામસામે લાવી દીધા હતા. છેલ્લા બે પત્રકારોએ સોમવારે બીજિંગ છોડી દીધું હતું. એ પહેલાં આ બંને પત્રકારોને સ્થાનિક ચીની વહીવટી તંત્રે પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન પત્રકાર બીલ બર્ટલ્સ અને માઇકલ સ્મિથ પર ચીની સરકારની નજર હતી. આ બંનેને રાજકીય હસ્તક્ષેપ પછી ચીન છોડવાની પરવાનગી મળી હતી. આ બંને પર ચીને જાસૂસી ટાઇપનું પત્રકારત્વ કરવાના આરોપ મૂક્યા હતા.

ઓસ્ટ્રેલિયન વિદેશ પ્રધાને કહ્યું હતું કે બેઈજિંગ ખાતેના ઓસ્ટ્રેલિયન રાજદૂતાવાસ અને અહીંના ચીની રાજદૂતાવાસના સહિયારા પ્રયાસોથી અમારા પત્રકારો મુક્ત થયા હતા અને સ્વેદશ પાછા ફર્યા હતા. બરાબર એ જ સમયે અમેરિકાએ ચીન પર એવો આક્ષેપ મૂક્યો હતો કે ચીન વિદેશી પત્રકારોને ધાકધમકી આપતું હતું અને પૂછપરછને બહાને અટકાયતમાં લઇને અત્યાચાર ગુજારતું હતું.

ગયા સપ્તાહે ચીને ચીની મૂળની ઓસ્ટ્રેલિયન મહિલા પત્રકાર ચેંગ લેઇની ધરપકડ કરી હતી અને એની પણ આકરી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન અમેરિકી પત્રકારોના પ્રેસ એક્રેડિશન રિન્યૂ નહીં કરવાના મુદ્દે અમેરિકાએ પણ ચીનની આકરી ટીકા કરી હતી અને વિદેશી પત્રકારો સાથે ભેદભાવ કરાઇ રહ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. અમેરિકી વિદેશ ખાતાના પ્રવક્તા મોર્ગન ઓર્ટેગસે કહ્યું હતું કે વિદેશી પત્રકારોને ધમકાવવાની બાબતમાં ચીનનો ઇતિહાસ બહુ જૂનો છે. આ વર્ષના આરંભે ચીને અમેરિકાને જણાવી દીધું હતું કે જે પત્રકારોને ચીને હાંકી કાઢ્યા હતા તેમના એક્રેડિશનને રિન્યૂુ કરવામાં નહીં આવે તેમ આ પત્રકારોની વીઝા અરજી પર ધ્યાન આપવામાં નહીં આવે.

(10:00 pm IST)