મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

સીબીઆઇ કેમ શાંત છે?

ડ્રગ્સ ખરીદવા બદલ રિયા ચક્રવર્તી પકડાઈઃ પણ સુશાંત મર્ડર કેસનું શું?

રિયા ચક્રવર્તીની અરેસ્ટ સાથે બોલીવુડમાં દૂર-દૂર સુધી સોપો પડી ગયો છે

મુંબઇ, ગઈ કાલે રિયા ચક્રવર્તીની અરેસ્ટ થઈ, પણ યાદ રહે કે આ અરેસ્ટ સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસ માટે નથી થઈ. રિયાની અરેસ્ટ નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ ડ્રગ્સના સેવન માટે કરી છે અને હવે નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો રિયા અને તેના ભાઈ શૌવિક ડ્રગ્સની હેરફેરમાં સામેલ હતાં કે નહીં એ જાણવાની કોશિશ કરશે, તો સાથોસાથ એ જાણવાની કોશિશ પણ કરશે કે રિયા જાણતી હોય એવા કયા-કયા લોકો ડ્રગ્સ ખરીદવા સાથે સંકળાયેલા છે. રિયાની અરેસ્ટ સાથે બોલીવુડ માટે ઉજાગરાની રાતો આવી ગઈ છે, પણ મહત્ત્વનું એ પણ છે કે સુશાંતસિંહના અપમૃત્યુનો કેસ તો હજી પણ જયાં હતો ત્યાં જ છે, સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ બાબતે ત્રણ દિવસથી બિલકુલ શાંત છે.

આ ત્રણ દિવસ દરમ્યાન સીબીઆઇએ અગાઉ જેકોઈની જેટલી પણ ઇન્કવાયરી થઈ છે એ ઇન્કવાયરી અને એના ક્રોસ કોન્વર્સેશન ચેક કરવાનું કામ કર્યું તો સાથોસાથ તમામેતમામ રેકોર્ડિંગ પણ સાંભળવાનું કામ કર્યું. આ બધા રેકોર્ડિંગના આધારે અંદાજે ૪૦૦ જેટલા નવા પ્રશ્નો અને ઇન્કવાયરીના મુદ્દા ઊભા થયા છે. સીબીઆઇ હવે એ બધાની તપાસ કરશે.

સીબીઆઇ હવે હરકતમાં આવશે. એક વાતની સ્પષ્ટતા કરવાની કે સુશાંતસિંહના કેસમાં પહેલાં સીબીઆઇ દાખલ થયું અને એ પછી નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરોએ તપાસ શરૂ કરી, પણ બન્ને એજન્સી વચ્ચે તાલમેલ પહેલેથી રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના અન્ડરમાં આવતી આ બન્ને એજન્સીમાંથી નેશનલ ક્રાઇમ બ્યુરોએ પહેલાં એકશન લીધી એનું એક કારણ એ પણ છે કે સીબીઆઇને સુશાંતસિંહના અપમૃત્યુના મૂળ સુધી પહોંચવામાં હજી સમય લાગે એવી શકયતા હતી. આ પિરિયડમાં શંકાસ્પદ પરનું પ્રેશર હળવું ન થઈ જાય અને તેમને કોઈ પ્રકારની સાઠગાંઠ માટે પૂરતો સમય ન મળી રહે એવા હેતુથી નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરોએ સુશાંતસિંહના કેસની આડશ છોડીને ડ્રગ્સ ખરીદવાના આરોપસર પગલાં લેવાનું શરૂ કરી દીધું.

નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરોની કામગીરી હવે થોડી ધીમી પડશે અને સુશાંતસિંહના મૃત્યુના કેસની તપાસ હવે સીબીઆઇ જોરશોરથી ફરી શરૂ કરશે.

રિયા ચક્રવર્તીની અરેસ્ટ સાથે બોલીવુડમાં દૂર-દૂર સુધી સોપો પડી ગયો છે. આમ તો ડ્રગ્સની વાતો શરૂ થઈ એ સમયથી જ બોલીવુડના સ્ટાર્સને સાપ સૂંઘી ગયો હતો, પણ રિયાની અરેસ્ટ પછી તો જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એવી હાલત થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે, પણ અમુક સ્ટાર્સે તો છેલ્લા એક વીકમાં પોતાનો મોબાઇલ-નંબર ચેન્જ કરી નાખ્યા છે જેથી ભવિષ્યમાં ઇન્કવાયરી નીકળે ત્યારે બચાવ માટેની આ દિશા ખોલી શકાય. આ ઉપરાંત નવા મોબાઇલ-નંબર પણ પોતાના નામે લેવાને બદલે હવે તેમણે પોતાના વિશ્વાસુ લોકોના નામે લેવાનું શરૂ કર્યું છે, જેથી નંબર સાથે પોતાને કંઈ લાગતુંવળગતું નથી એવું પણ દેખાડી શકાય.

(10:22 am IST)