મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

રાજસ્થાનમાં ૩૦ ટકા ઘટી પણ ગુજરાતમાં સરકાર રપ ટકા ફી ઘટાડવામાં ફેલ રહી

ખાનગી સંચાલકો સામે સરકારે જાણે ઘૂંટણિયા ટેકવ્યાઃ ફી ઘટાડાની ફોર્મ્યુલા જ રપ ટકાની મૂકી તેમાંય સંચાલકો ગાંઠયા નહીં

અમદાવાદ,તા.૯ : ગુજરાત સરકારને કોરોનાના સંકટમાં વાલીઓનું નહીં પણ હંમેશા ખાનગી સ્કૂલ સંચાલકોનું હિત હૈયે રહેલું છે અને વાલીઓના ભલાનો માત્ર દેખાડો કરતી રહી છે તે રાજસ્થાન હાઈકોર્ટના આદેશથી પુરવાર થયું છે. રાજસ્થાનમાં કોર્ટે તમામ ખાનગી સ્કૂલોને ૩૦ ટકા ફી ઘટાડાનો આદેશ કર્યો છે. જયારે ગુજરાતમાં રાજય સરકારે ખાનગી સ્કૂલો સાથે ફી ઘટાડાની મંત્રણામાં જ માત્ર રપ ટકા ઘટાડાની ફોર્મ્યુલા ઓફર કરેલી અને તેને ય બેફામ બનેલા ખાનગી સ્કૂલ સંચાલકોએ ધરાર ફગાવી દીધી હતી.

઼આમ કોરોના મહામારી વચ્ચે સ્કૂલ બંધ હોવા છતાં ફીના મામલે સંચાલકો અને સરકારની મીલિભગતથી વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. વાલીઓ ઉપરાંત સરકારે શિક્ષકોને ય સંચાલકોના હાથે ભોગ બનવા છોડી દીધા છે. કારણ કે, હજુ સુધી એકપણ વાર સરકારે સંચાલકો સાથેની મંત્રણામાં કે કોર્ટમાં કયારેય શિક્ષકોના પગારનો મુદ્દે લીધો જ નથી.

અલબત્ત, આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં આ મેટર સબજયુડિશિયલ છે. અમે સંચાલકોને ૭૫ ટકા ફી લેવાનુ જણાવ્યુ છે તો તેમણે શિક્ષકોને પગાર ચૂકવવા જોઈએ. જો કોઈ સ્કૂલ પગાર નહીં ચૂકવે તો કાયદાની સલાહ લઈ યોગ્ય પગલાં ભરીશું.

હાઈકોર્ટના હુકમના ભાગરૂપે સરકારે ગત ૧૭મી ઓગસ્ટના રોજ મર્યાદિત સંખ્યામાં સંચાલકોને બોલાવી રૂબરૂ બેઠક બોલાવી હતી. આ બેઠક અંદાજે બે કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ ફરીથી ૨૦મી ઓગસ્ટના રોજ બીજી એક બેઠક ઓનલાઇન બોલાવવામાં આવી હતી. આ બેઠકોમાં ટયૂશન ફીમાંથી રપ ટકા સુધીની ફી ઘટાડવાની સરકારની ફોર્મ્યુલા સંચાલકોએ ઠુકરાવી હોવાનું ખુદ સરકાર રટણ કરી રહી છે. સંચાલકો ગાંઠતા ન હોવાથી લાચાર બનેલી સરકારે હાઇકોર્ટમાં માર્ગદર્શન માગતી અરજી કરી છે. ગુજરાત સરકારે તો ફી ઘટાડનાની ફોર્મ્યાલા જ રપ ટકાની મૂકી છે.

(11:15 am IST)