મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

ધાર્મિક સ્થળો કયારે શરુ કરાશે ? : કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગતી સુપ્રીમ કોર્ટ

અમદાવાદના ગીતાર્થ ગંગા ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સ્થળો શરૂ કરવા સુપ્રીમમાં અરજી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં કોરોનાના કારણે બંધ ધાર્મિક સ્થળો શરૂ કરવા અંગે કેન્દ્રનો જવાબ માંગ્યો છે. અમદાવાદ સ્થિત ગીતાર્થ ગંગા ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો શરૂ કરવા કરાયેલી સુપ્રીમમાં કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના અધ્યક્ષ પદ હેઠળ બનેલી બેન્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ અંગે નોટિસ પાઠવી હતી.

 એસ.એ.બોબડેની સાથે એ.એસ. બોપન્ના અને વી રામાસુબ્રમણ્યિમની બનેલી બેન્ચે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલતી કાર્યવાહીમાં જણાવ્યું હતું કે અમે ફક્ત સંભાવના તલાશવા નોટિસ મોકલી છે.

 આ ટ્રસ્ટ ધાર્મિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે. તેણે વકીલ સુર્જેન્દુ સંકર દાસ દ્વારા અરજી ફાઇલ કરી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે આર્ટિકલ 14, 19 (1)(એ) અને (બી), 25, 26 અને 21 હેઠળ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવુ તે તેમનો અધિકાર છે. તેમા પણ ભારતના રહેવાસી તરીકે તેઓ હવે સમગ્ર દેશમાં પૂજાના સ્થળ શરૂ કરવા માંગે છે, જે હજી કેટલાય રાજ્યમાં બંધ છે અથવા તો મર્યાદિત પ્રમાણમાં જ ખુલ્લા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોનાના લીધે માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન લાદ્યુ હતુ. આ લોકડાઉન 31 મેએ પૂરુ થયુ હતુ. સરકારે પહેલું અનલોકડાઉન પહેલી જૂનના રોજ લાદ્યુ હતુ. તેના પછી તેણે અનુક્રમે બીજુ, ત્રીજુ અને ચોથું અનલોક શરૂ કર્યુ છે. હવે તે વિવિધ રાજ્યોમાં મેટ્રો શહેરો માટે પણ તેણે મંજૂરી આપી દીધી છે.

  કેન્દ્ર સરકાર દ્વારા આ ઉપરાંત અનલોક-4ની ગાઇડલાઇન્સની સાથે સિનેમા હોલો અને સ્કૂલો તથા મલ્ટિપ્લેક્સિસ, ધાર્મિક સ્થળો,  પાર્ટી પ્લોટ જ હાલમાં બંધ છે. આ સિવાયનું લગભગ બધુ શરૂ કરી દેવાયુ છે. આજે દેશના સમગ્ર ધાર્મિક સ્થળો લગભગ પાંચ મહિના કરતાં વધારે સમયથી બંધ છે અને હવે નવરાત્રિના તહેવારોની સાથે ભક્તિ રસમાં લોકો તરબોળ થવા થનગની રહ્યા છે તે સમયે ધાર્મિક સ્થળો શરૂ કરવાની માંગ તેઓ કરી રહ્યા છે.

(6:40 pm IST)