મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

વોશિંગ્‍ટન પોસ્‍ટ અને અલ જઝીરાની દ્રષ્‍ટિએ ગુજરાતનો વિજય

નવી દિલ્‍હી તા. ૯ : ભારતમાંથી પ્રકાશિત થતા આજના અખબારો ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતના સમાચારોથી છવાયેલા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચૂંટણીના સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

વોશિંગ્‍ટન પોસ્‍ટે સમાચાર પ્રકાશિત કર્યા છે કે પીએમ મોદીની પાર્ટી એક રાજયમાં જીતી અને એકમાં હારી. વેબસાઈટ લખે છે કે મોદીની હિન્‍દુ નેશનાલિસ્‍ટ પાર્ટીએ ફરી એકવાર મોદીના ગૃહ રાજય ગુજરાતમાં ૨૭ વર્ષનું નિયંત્રણ સ્‍થાપિત કર્યું છે, પરંતુ ઉત્તરીય રાજય હિમાચલ અને દિલ્‍હી શહેરમાં તે સત્તાથી બહાર છે.

૧૯૯૫ પછી ગુજરાતમાં ભાજપે એકપણ ચૂંટણીમાં હાર જોઈ નથી અને વડાપ્રધાન બન્‍યા પહેલા મોદી ૧૩ વર્ષ સુધી મુખ્‍યમંત્રી હતા.

વેબસાઈટે લખ્‍યું છે કે જો પાર્ટી ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશ જીતશે, તો તે મોદી અને ભાજપની સ્‍થિતિને વધુ મજબૂત કરશે અને પાર્ટીને વધુ જોરદાર હિંદુત્‍વ એજન્‍ડા સાથે ૨૦૨૪ની સામાન્‍ય ચૂંટણીમાં પ્રવેશવામાં મદદ કરશે.

વેબસાઇટ લખે છે કે રાજયમાં મોંઘવારી, બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણ વધવા છતાં મોદીની પાર્ટી રાજયમાં લોકપ્રિય છે.વેબસાઇટે કોંગ્રેસના એક નેતાને ટાંકીને ગુજરાતમાં હારને ‘મોટો ફટકો' ગણાવ્‍યો હતો. એવું પણ લખવામાં આવ્‍યું છે કે આ વર્ષે ઓક્‍ટોબરમાં બિન-ગાંધી પક્ષના વડા તરીકે મલ્લિકાર્જુન ખડગેની ચૂંટણી પછી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા પક્ષના મોટા ચહેરાઓએ ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે ભાગ લીધો ન હતો.

વેબસાઇટે ૨૦૦૨ના ગુજરાત રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને લખ્‍યું હતું કે મોદીના ટીકાકારોએ તેમના પર રક્‍તપાત તરફ આંખ આડા કાન કરવાનો આરોપ મૂક્‍યો હતો. વેબસાઈટ લખે છે કે મોદીએ આ આરોપોને નકારી કાઢ્‍યા હતા અને સુપ્રીમ કોર્ટને તેમની વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્‍યા નથી.

અલ જઝીરાએ લખ્‍યું છે કે ૨૦૨૪ની સામાન્‍ય ચૂંટણી પહેલા બીજેપીએ ગુજરાતમાં ભારે જીત નોંધાવી છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં મુખ્‍ય વિપક્ષી પાર્ટી દ્વારા તેનો પરાજય થયો છે.

વેબસાઈટ લખે છે કે ૨૦૦૨ની ગુજરાત રમખાણો આઝાદી પછીના સૌથી ભયાનક કોમી રમખાણો હતા. આમાં લગભગ ૨૦૦૦ લોકોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના મુસ્‍લિમ હતા. આ પછી મોદીએ પોતાને હિન્‍દુઓના નેતા તરીકે સ્‍થાપિત કર્યા.

વેબસાઈટ લખે છે કે ભાજપ પર હિન્‍દુ મત મેળવવા માટે ધાર્મિક ધ્રુવીકરણ કરવાનો આરોપ છે. વેબસાઈટે ૨૦૦૨ની ગેંગરેપ કેસમાં હિન્‍દુ દોષિતોને મુક્‍ત કરવાની વાત પણ કરી છે.

વેબસાઈટે એમ પણ લખ્‍યું છે કે કેટલાંક ભારતીય મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ છે, પરંતુ મતદારોનો નિર્ણય મોદીના વ્‍યક્‍તિત્‍વ અને મુસ્‍લિમ વિરોધી ભાવનાથી પ્રભાવિત થઈ શકે છે.વેબસાઈટે દિલ્‍હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્‍સ એક્‍સપર્ટ અજય ગુડવર્તીને ટાંકીને કહ્યું કે ભાજપની જીત ગુજરાતમાં હિંદુ મતોનું ધ્રુવીકરણ દર્શાવે છે.

તેમનું કહેવું છે કે હિન્‍દુ કાર્ડ ફેંકાયા બાદ વિપક્ષના લોકપ્રિય નેતાઓને પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે. તમારે માનવું પડશે કે આ ભાવના લોકોના મનમાં ઊંડે ઊંડે જડેલી છે.

વેબસાઈટે દિલ્‍હીની MCD ચૂંટણીમાં ભાજપની હારનો પણ ઉલ્લેખ કર્યો છે અને એમ પણ લખ્‍યું છે કે ગુજરાતની ચૂંટણીમાં જીત બાદ મોદી હવે લોકસભાની ચૂંટણીની તૈયારી કરશે અને વડાપ્રધાન તરીકે સતત ત્રીજી ટર્મની આશા રાખશે.

વેબસાઇટે લઘુમતી અધિકાર કાર્યકર્તાને ટાંકીને કહ્યું કે ભાજપે મુસ્‍લિમ વિરોધી અભિયાન ચલાવ્‍યું છે અને અહીં મતદાન સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી કરવામાં આવ્‍યું છે. તેમણે આરોપ લગાવ્‍યો કે રાજકારણમાં મુસ્‍લિમોનું પ્રતિનિધિત્‍વ નથી અને સરકાર ધ્રુવીકરણના વાતાવરણમાં તેમનો અવાજ દબાવવા માંગે છે.

(4:08 pm IST)