મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

એક માસમાં ઘઉં અને દાળના ભાવમાં ૫%-૪% સુધી વધારો

સમગ્ર દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે : ઘઉંના લોટની કિંમત એક મહિના પહેલા ૩૫.૨૦ રૃપિયાની તુલનામાં ૬% વધીને ૩૭.૪૦ રૃપિયા પ્રતિ કિલો થઈ ગઈ

નવી દિલ્હી, તા.૯ : સમગ્ર દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. આ મોંઘવારી વચ્ચે ખાદ્ય ચીજોના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો. ચોખા, ઘઉં, લોટ અને દાળ સહિત તમામ સામાનોની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં રિટેલ બજારમાં ઘઉં અને દાળના ભાવ ૫% અને ૪% સુધી વધી ગયા છે.

એક વર્ષ પહેલા ઘઉંના ભાવ ૨૮.૧૯ રૃપિયા પ્રતિ કિલો હતા પરંતુ આ વર્ષે આના ભાવ વધતા ગયા. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલે મંત્રી પીયૂષ ગોયલે ગુરૃવારે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યુ, દેશમાં ઘઉં અને દાળ જેવી જરૃરી વસ્તુઓની સરેરાશ રિટેલ કિંમતોમાં તાજેતરના મહિનાઓમાં કોઈ ઝડપી અને સતત વૃદ્ધિ થઈ નથી. ૬ ડિસેમ્બરે ઘઉંની સરેરાશ રિટેલ ભાવ એક મહિના પહેલાના ૩૦.૫૦ રૃપિયાની તુલનામાં ૩૧.૯૦ રૃપિયા કિલો થઈ ગયા.

ઘઉંની કિંમતોમાં વધારો થાય એટલે તેની અસર લોટની કિંમતો પર પણ થાય છે. લોટની કિંમત એક મહિના પહેલા ૩૫.૨૦ રૃપિયાની તુલનામાં ૬% વધીને ૩૭.૪૦ રૃપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

દાળની કિંમતમાં પણ ગયા એક મહિનામાં ૨%નો વધારો થયો છે. એક મહિના પહેલા ચણા દાળનો સરેરાશ ભાવ ૧૧૦.૯૦ રૃપિયા પ્રતિ કિલો હતો તો ૬ ડિસેમ્બરથી આ ૧૧૨.૮૦ રૃપિયા પ્રતિ કિલો ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ અડદ દાળની કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે.

લગભગ એક વર્ષ પહેલા અડદની દાળનો ભાવ ૧૦૩.૮ રૃપિયા પ્રતિ કિલો હતો. પરંતુ આજના સમયમાં આનો ભાવ ૧૧૨.૭૫ રૃપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

એક મહિના પહેલા ચોખાનો ભાવ ૩૮.૧૨ રૃપિયા પ્રતિ કિલો હતો પરંતુ આજે આની કિંમત ૩૮.૩૩ રૃપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

(8:16 pm IST)