મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

તિરૂમાલા જ છે ભગવાન હનુમાનનું જન્મ સ્થાન

બહુ જલ્દી સાબિતીઓ રજૂ કરવાનો તિરૂપતિ મંદિર બોર્ડનો દાવો

નવી દિલ્હી, તા. ૧૦ : તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ કહ્યુ છે કે આંધ્રપ્રદેશના ચિત્તુર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું નિવાસ સ્થાન તિરૂમાલા જ ભગવાન હનુમાનનું જન્મ સ્થાન છે તે સાબિત કરવા માટેની ઐતિહાસિક અને પ્રાસંગિક સાબિતીઓ તે રજૂ કરશે.

મંદિર પ્રશાસન, ટીટીડી ઉગાદી ઉત્સવ (તેલુગુ નવુ વર્ષ)ના દિવસે ૧૩ એપ્રિલે એક પુસ્તિકાના રૂપમાં એક દસ્તાવેજ જાહેર કરવા માટે તૈયાર છે. જેનાથી એ સાબિત કરી શકાય કે અંજનાદ્રિ, તિરૂમાલાની સાત પહાડીઓમાંથી એક છે. અંજનાદ્રીને ભગવાન હનુમાનનું જન્મ સ્થાન ગણવામાં આવે છે.

ટીટીડીના કાર્યકારી અધિકારી કે.એસ. જવાહર રેડ્ડીએ કહ્યું કે અમે આ વાત સાબિત કરવા માટે સમિતિનો રિપોર્ટ એક પુસ્તિકાના રૂપમાં રજૂ કરશું કે ભગવાન હનુમાન ખરેખર અંજનાદ્રીમાં જન્મ્યા હતા. જે તિરૂમાલાના સાત પહાડોમાનો એક છે. જે પૂર્વ ઘાટની શેષચલમ પર્વત શ્રૃંખલાનો ભાગ છે.

પેનલે ગુરૂવારે રેડ્ડી સાથેની મીટીંગમાં ટીડીડીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સમિતિના એક સભ્યે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે ખગોળ વિજ્ઞાન પર આધારિત ભગવાન રામના માર્ગને ટ્રેક કરવા માટે ભૂતકાળમાં અન્ય રિસર્ચરો દ્વારા ઘણા અભ્યાસ કરાયા છે. રામેશ્વરમના રસ્તે શ્રીલંકામાં પ્રવેશ કરતા પહેલા અયોધ્યાથી દક્ષિણની યાત્રા કરનાર રામ કદાચ તિરૂમાલામાં ભગવાન હનુમાનને મળ્યા હશે.

(10:10 am IST)