મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

બંગાળમાં ભાજપની લહેરઃ તૃણમુલના રણનીતિકાર પ્રશાંત કિશોરની ઓડિયો ક્લીપ સોશ્યલ મીડિયામાં વાયરલઃ ભાજપના વિજયનો દાવો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ-TMC વચ્ચે ચૂંટણીમાં કાંટાની ટક્કર વચ્ચે તૃણમુલના રણનીતિકાર પ્રશાંત કિશોરના ઓડિયોને કારણે રાજકીય હલચલ મચી છે. જેમાં PK બંગાળમાં ભાજપની લહેર સ્વીકારી રહ્યા છે. ભાજપના આઇટીસેલના અમિત માલવીયે કેટલાક ઓડિયો શેર કરીને દાવો કર્યો છે કે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ભાજપની જીત સ્વીકારી લીધી છે.

ક્લબ હાઉસ પ્લેટફોર્મ પર પીકેના ડિસ્કશનનો ઓડિયો

બંગાળમાં શનિવારે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ક્લબ હાઉસ પ્લેટફોર્મ પર પીકેના ડિસ્કશનનો ઓડિયો શેર કર્યો છે. જેમાં પ્રશાંક કિશોર કેટલાક મોટા પત્રકારોને બ્રિફ કરી રહ્યા છે. જો કે પીકેએ જવાબમાં કહ્યું કે ભાજપે પોતાની સુવિધા મુજબનો અધુરો ઓડિયો વાયરલ કર્યો છે. અમિત માલવીયએ ક્લબ હાઉસનું આખું ડિસ્કશન શેર કરે, તેમાં સ્પષ્ટ થઇ જશે કે સત્ય શું છે?

અમિત માલવીયે શનિવારે સવારે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. તે વીડિયો ક્લબ હાઉસ એપ પર ચાલી રહેલી ચર્ચાના ઓડિયો રેકોર્ડિંગનો છે જેમાં પ્રશાંત કિશોર કેટલાક પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યા છે.

ઓડિયોમાં PK  શું કહી રહ્યા છે?

ઓડિયોમાં પ્રશાંત કિશોર કહેતા સંભળાય છે કે, “બંગાળમાં વોટ મોદીના નામ પર છે. હિન્દુના નામ પર છે. ધ્રુવીકરણ, હિંદી ભાષી, SC ચૂંટણીના ફેક્ટર છે. મોદી અહીં પોપ્યુલર છે. બંગાળની વસતીના 27 ટકા SC અને મતુઆ સમુદાય મોટી સંખ્યામાં ભાજપ માટે મતદાન કરી રહ્યા છે. બંગાળમાં ટીએમસી વિરૂદ્ધ એન્ટી ઈન્કમ્બસી છે, મોદી વિરૂદ્ધ નહીં. બંગાળી રાજકારણની ઈકોસિસ્ટમ મુસ્લિમ મતો હાંસલ કરવાની રહી છે અને પહેલી વખત હિંદુઓને તેમની વાત થઈ રહી હોવાનું લાગી રહ્યું છે.”

ઓડિયોના આધારે ભાજપ પ્રશાંત કિશોરે પોતે મમતા બેનરજીની હાર સ્વીકારી લીધી હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, પ્રશાંત કિશોરે સચ્ચાઈ સામે લાવવા ભાજપે આખો ઓડિયો રીલિઝ કરવો જોઈએ તેમ કહ્યું હતું.

પ્રશાંત કિશોરનો ભાજપને જવાબ

પ્રશાંત કિશોરના કહેવા પ્રમાણે તેઓ ‘ભાજપને લગભગ 40% મત કેવી રીતે મળી રહ્યા છે અને એવી ધારણા કેમ છે કે ભાજપ જીતી રહ્યું છે’ તેનો જવાબ આપી રહ્યા હતા. સાથે પ્રશાંત કિશોરે એવો કટાક્ષ પણ કર્યો હતો કે, તેમને જાણીને આનંદ થયો કે ભાજપ તેમની વાતને પોતાની પાર્ટીના નેતાઓથી વધુ મહત્વ આપે છે.

ક્લબ હાઉસ એક એપ્લિકેશન છે જેમાં ઓડિયો કોન્ફરન્સ થઈ શકે છે. તેમાં થઈ રહેલી ચર્ચાનો કોઈ બીજા ફોન દ્વારા બનાવવામાં આવેલો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે, ક્લબ હાઉસમાં રેકોર્ડિંગની સુવિધા નથી હોતી. ભાજપે તેના કેટલાક અંશ લીક કર્યા છે.

પીકેની રણનીતિ બંગાળમાં કામ નહીં કરેઃ ભાજપ

ઓડિયો લીક થયા બાદ ભાજપ નેતા રાજીવ બેનરજીએ કહ્યું કે પ્રશાંત કિશોરની રણનીતિ બંગાળમાં કામ નહીં કરે. ટીએમસી અહીં ખતમ થઇ ગઇ છે. બંગાળમાં માત્ર મોદીની રણનીતિ કામ કરશે. જ્યારે ભાજપના અન્ય નેતા લોકેટ ચેટરજીએ જણાવ્યું કે પ્રશાંત કિશોર પણ જાણે છે કે અહીં મોદી બેસ્ટ છે અને તેમના નેતૃત્વમાં સોનાર બાંગ્લા બનાવવામાં આવશે. તેઓ લોકોને મૂર્ખ બનાવવા ટીએમસી સાથે જોડાયા છે.

(5:20 pm IST)