મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

લોકસભાની ચૂંટણી વહેલી યોજવા બીજેપી કરી રહી છે મંથન

શું મોદી સરકાર દ્વારા નવ વર્ષની સિદ્ધિઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે એ વાતનો સંકેત આપે છે? : અયોધ્‍યામાં શ્રીરામમંદિરના લોકાર્પણની આસપાસ ઇલેક્‍શન યોજવા માટે વિચાર થઈ રહ્યો છે

નવી દિલ્‍હી,તા. ૯: શું લોકસભાની ચૂંટણી પોતાના નિયત સમય કરતાં પહેલાં થઈ શકે છે? શું પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓની સાથે કે એના પછી તરત જ લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે? શું મોદી સરકાર દ્વારા નવ વર્ષની સિદ્ધિઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે એ વાતનો સંકેત આપે છે? આવા સવાલો અત્‍યારે નવી દિલ્‍હીનાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. સોર્સિસ અનુસાર સરકાર અને બીજેપીમાં ટોચના લીડર્સ આ બાબતે વિચારી  રહ્યા છે.

સામાન્‍ય રીતે લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં સરકાર પોતાના રાજમાં થયેલાં કામોની વિગતો લોકો સુધી પહોંચાડવા માટે કેમ્‍પેન ચલાવે છે. જોકે આ વખતે કેન્‍દ્ર સરકારે નવ વર્ષના કામકાજ અને સફળતાઓને રજૂ કરવાની જાહેરાત કરી હતી. એનાથી માનવામાં આવી રહ્યું છે કે સરકાર અને પાર્ટીના ટોચના લેવલે લોકસભાની ચૂંટણી વહેલી યોજવા માટે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

નોંધપાત્ર છે કે ભારત જોડો પદયાત્રા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની છબીમાં સતત સુધારો થઈ રહ્યો છે અને વિપક્ષો એકમંચ પર આવવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહ્યા છે, જેના લીધે બીજેપીનું નેતૃત્‍વ અત્‍યારે અસહજ છે. નોંધપાત્ર છે કે દક્ષિણથી ઉત્તરની ભારત જોડો યાત્રાની સફળતા પછી તરત જ સપ્‍ટેમ્‍બરમાં પૂર્વથી પશ્ચિમની બીજી ભારત જોડો યાત્રા માટે પ્‍લાનિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ પણ બીજેપીને વિચારમંથન કરવા મજબૂર કરી છે.

જે રીતે દિલ્‍હીમાં સેક્‍સ્‍યુઅલ હેરેસમેન્‍ટના આરોપને લઈને રેસલર્સના આંદોલનને હરિયાણા, પંજાબ,

રાજસ્‍થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશની ખાપ પંચાયતો અને ખેડૂત સંગઠનોનો સપોર્ટ મળી રહ્યો છે એ જોતાં એ ભવિષ્‍યમાં કેન્‍દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન જેવું સ્‍વરૂપ ધારણ કરી શકે છે.

વળી, સરકારને એવા ઇન્‍પુટ્‍સ મળ્‍યા છે કે મોંઘવારી, બેરોજગારી, અગ્નિવીર અને મહિલા સુરક્ષા તેમ જ જાતિગત વસ્‍તીગણતરી જેવા મુદ્દાઓને લઈને વિપક્ષ સરકાર પર પોતાનું પ્રેશર બનાવી રહ્યું છે. જો આવી જ સ્‍થિતિ રહી તો સરકારની વિરુદ્ધ માર્ચ-એપ્રિલ સુધીમાં સત્તાવિરોધી લહેર વધી શકે છે, જેના નુકસાનની ભરપાઈ કરવી સરકાર માટે મુશ્‍કેલ પુરવાર થઈ શકે છે. આગામી ચૂંટણી મોદી વર્સેસ મુદ્દા હોઈ શકે છે.

વળી, જાન્‍યુઆરી ૨૦૨૪માં અયોધ્‍યામાં શ્રીરામમંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. વડા પ્રધાનની રામભક્‍ત તરીકેની છબી અને હિન્‍દુત્‍વના નારાથી મદદ મળશે એવી બીજેપીના નેતાઓને આશા છે.

(12:00 am IST)