મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

Manipur Violence: મણીપુરમાં ૧૧ ૭૬૩ દારૂગોળો, અને ૮૦૦ હથિયારો, ૨૦૦ બોમ્‍બ જપ્ત કર્યા

મોટી સંખ્‍યામાં હજુપણ શષાો-દારૂગોળો કબ્‍જે થવા સંભવઃ આ અગાઉ જંગી માત્રામાં દારૂગોળો અને ૧૫૦૦ હથીયારો ઉપાડી જવામાં આવેલ

ઇમ્‍ફાલઃ કેટલાક દિવસોથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં સુરક્ષા દળો હજુ પણ એલર્ટ મોડમાં છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સુરક્ષા દળો હવે હિંસા દરમિયાન ટોળા દ્વારા ચોરી કરાયેલા હથિયારોની શોધ કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ અત્‍યાર સુધીમાં ૧૧,૭૬૩ દારૂગોળો, ૮૯૬ હથિયારો અને ૨૦૦ બોમ્‍બ જપ્ત કર્યા છે. રાજય સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે આ અંગે માહિતી આપી છે.

અધિકારીઓએ અગાઉ જણાવ્‍યું હતું કે રમખાણગ્રસ્‍ત મણિપુરમાં લગભગ ૫૦ લાખ દારૂગોળો અને ૩૫૦૦ હથિયારોની ચોરી થઈ હતી. જોકે આ માટે કોઈ સત્તાવાર આંકડો નથી. રાજયની મુલાકાતે આવેલા અમિતભાઇ શાહે પણ લોકોને હથિયારો પરત કરવાની અપીલ કરી હતી, જે બાદ એક સપ્તાહ પહેલા સ્‍થાનિક લોકોએ હથિયારો પરત કરવાનું શરૂ કર્યું હતું. અમિતભાઇ શાહ ગયા મહિને મણિપુરના ૪ દિવસના પ્રવાસ પર આવ્‍યા હતા.

અમિતભાઇની મુલાકાત પછી ત્‍યારથી લઈને ૮ જૂન સુધી સુરક્ષા દળોએ ૧૪૪ હથિયારો જપ્ત કર્યા છે, જયારે શ્રી શાહની મુલાકાત પહેલા ૭૫૦ હથિયારો મળી આવ્‍યા હતા. અધિકારીઓએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ અહીંથી મોટી સંખ્‍યામાં હથિયારો રિકવર કરશે. પરંતુ આ કામગીરીમાં થોડો સમય લાગી શકે છે કારણ કે કુકી અને મૈતેઈ સમુદાયો વચ્‍ચે હજુ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે.

અન્‍ય એક અધિકારીએ કહ્યું કે બાતમીદારો પાસેથી મળેલી માહિતી અને તકનીકી ઇનપુટના આધારે હથિયારોની શોધ કરવામાં આવી રહી છે. અન્‍ય એક અધિકારીએ કહ્યું કે એવું નથી કે હથિયારોની શોધમાં દરેક ઘરની તલાશી લેવામાં આવી રહી છે. જયાંથી તેમના વિશે ગુપ્ત માહિતી મળી રહી છે, ત્‍યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

૩ મેથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્‍ચે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે રાજયમાં ઘણી તબાહી મચી ગઈ હતી. આ હિંસામાં ૧૦૫ લોકોના મોત થયા હતા જયારે ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, ૪૦ હજારથી વધુ લોકોને ભાગવાની ફરજ પડી હતી. આ દરમિયાન શુક્રવારે પણ મણિપુરમાં ફાયરિંગના ૩ લોકોના મોત થયા અને ૨ ઘાયલ થયા હતા.

(1:04 pm IST)