મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

ટ્વિટર ક્રિએટર્સને હવે જાહેરાત પેટે ચૂકવણી કરશે

ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી : સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ ૫ મિલિયન ડોલર ચૂકવાશે

વોશિંગ્ટન, તા.૧૦ : એલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કએ કહ્યું છે કે,  એક્સ/ટ્વીટર થોડા અઠવાડિયામાં ક્રિએટર્સ તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરવાનું શરૃ કરશે.

મસ્કે વધુમાં જણાવ્યું હતું કે સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ ૫ મિલિયન ડોલર ચૂકવવામાં આવશે.

ટ્વિટરે થોડા અઠવાડિયા પહેલા સબસ્ક્રિપ્શન આધારિત વેરિફિકેશન રજૂ કર્યું હતું. જોકે કંપનીએ થોડા સમય પછી ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ્સ માટે ફ્રી બ્લુ ટિક પાછી લાવી હતી. હવે કંપની તેની સબ્સ્ક્રિપ્શન સેવાને વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા પ્રમોટ કરવા માંગે છે. આનાથી કંપનીને એડવર્ટાઇઝર્સને પરત લાવવામાં મદદ મળશે.

કંપનીએ ટ્વિટર બ્લુ યુઝર્સ માટે એક નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા ટ્વિટર બ્લુના સબ્સ્ક્રાઇબર્સ તેમની ટ્વિટ પોસ્ટ કર્યાના એક કલાક સુધી એડિટ કરી શકશે. કંપનીએ સૌથી પહેલા ઓક્ટોબર ૨૦૨૨માં ટ્વિટ એડિટિંગ ફીચર લોન્ચ કર્યું હતું. તે સમયે યુઝર્સને ટ્વિટ એડિટ કરવા માટે ૩૦ મિનિટનો સમય મળતો હતો. જણાવી દઈએ કે ભારતીય યુઝર્સને ટ્વિટર બ્લુ માટે દર મહિને ૯૦૦ રૃપિયા ચૂકવવા પડશે. તેમજ જો તમે તેનો વેબ પર ઉપયોગ કરો છો, તો તમારે દર મહિને ૬૫૦ રૃપિયા ખર્ચવા પડશે.

(7:30 pm IST)