છોકરીની સાથે સેક્સની વાત કરનાર કંડક્ટરને ૧ વર્ષની કેદ
મુંબઈની વિશેષ અદાલતનો ચુકાદો : ૨૦૧૮માં બસના કંડક્ટરે ૧૩ વર્ષની પેસેન્જર છોકરી પાસે બેસીને પૂછ્યું હતું કે શું તે સેક્સ વિશે જાણે છે ?
મુંબઈ, તા.૧૦ : મુંબઈની એક વિશેષ અદાલતે ૧૩ વર્ષની છોકરી સાથે 'સેક્સ' વિશે વાત કરવાના આરોપમાં એક ૫૦ વર્ષીય બેસ્ટ બસ-કંડક્ટરને ૧ વર્ષની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૮માં બસ કંડક્ટરે ૧૩ વર્ષની પેસેન્જર છોકરી પાસે બેસીને પૂછ્યું હતું કે 'શું તે સેક્સ વિશે જાણે છે?'
આ ઘટના વર્ષ ૨૦૧૮ની છે કે જ્યારે આ ૧૩ વર્ષીય છોકરી બસમાં મુસાફરી કરી રહી હતી અને ત્યાં માત્ર થોડા પેસેન્જર્સ હતા. ૧૩ વર્ષીય છોકરીએ પોતાની જુબાનીમાં કોર્ટને જણાવ્યું કે તારીખ ૨૪ જુલાઈ, ૨૦૧૮ના દિવસે સ્કોલરશિપના ક્લાસમાં હાજરી આપ્યા પછી તેણે બપોરે ૧.૪૫ વાગ્યે બસ પકડી હતી. તેણે જણાવ્યું કે આરોપી કંડક્ટરે ટિકિટનું પૂછતા મેં પાસ દેખાડ્યો હતો. થોડા સમય પછી બસમાં માત્ર ૨થી ૩ જ પેસેન્જર હતા અને તેઓ આગળ બેઠા હતા. ૧૩ વર્ષીય છોકરીએ આગળ જણાવ્યું કે આરોપી બસ કંડક્ટર મારી પાસે આવ્યો અને બાજુમાં બેસી ગયો. તેણે મને પૂછ્યું કે 'સેક્સ વિશે હું કશું જાણું છે કે નહીં?' ૧૩ વર્ષીય છોકરીએ જ્યારે આરોપી કંડક્ટરને કહ્યું કે મને આ સવાલ પૂછશો નહીં તો તે બસમાં આગળની તરફ જતો રહ્યો અને પાછા આવીને ફરી છોકરીને આ પ્રકારે સવાલ પૂછ્યો. ૧૩ વર્ષીય છોકરીએ ઘરે આ બનાવ વિશે કોઈ વાત કરી નહીં અને ડરી ગઈ હતી.
બાદમાં તારીખ ૨૬ જુલાઈ, ૨૦૧૮ના દિવસે આ છોકરીએ તેની ફ્રેન્ડને બસમાં બનેલી આ ઘટના વિશે જણાવ્યું. પછી છોકરીની માતાને આ ઘટના વિશેની જાણ થતાં ૩૧ જુલાઈ, ૨૦૧૮ના દિવસે તેમણે પોલીસ બોલાવી હતી. કોર્ટે આરોપીને રૂપિયા ૨૦,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. જેમાંથી ૧૫,૦૦૦ રૂપિયા અપીલનો સમય પૂરો થતાં ભોગ બનનાર છોકરીને વળતરરૂપે અપાશે. કોર્ટે બસ કંડક્ટર ચંદ્રકાંત કોળીને પોસ્કો એક્ટની ધારા ૧૨ અંતર્ગત દોષી ઠેરવ્યો છે. જેમાં મહત્તમ સજા ૩ વર્ષની જેલ છે.