મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ઓફિસ બાદ હવે કંગનાનું ઘર તોડશે BMC !! : કંગના ભડકી કહ્યું -ઉદ્વવ ઠાકરે અને કરણ જોહરને જાહેરમાં ઊઘાડા પાડીશ

BMCની સિવિક બોડીએ કોર્ટમાં કંગનાનું ઘર તોડવા મંજૂરી માગી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કંગના અને શિવસેના વચ્ચેનો જંગ વકર્યો છે BMCએ માત્ર 24 કલાકની નોટિસ બાદ કંગના રણૌતની ઓફિસ પર બુલડોઝર ફેરવી દીધું. હવે તેની નજર કંગનાના ઘરને તોડવા પર છે. જેના માટે બૃહ્મમુંબઇ કોર્પોરેશને કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. જો કે આ પગલાંથી ક્વીન કંગના વીફરી ગઇ છે. તેણે ફૂંફાળા મારતા કહ્યું કે મરું કે જીવું,સીએમ ઉદ્ધવ ઠાકરે અને ફિલ્મ મેકરને કરણ જોહરને ઊઘાડા પાડી દઇશ.

બુધવારે કંગના મુંબઇ પહોંચે તે પહેલાં BMCએ ગેરકાયદે બાંધકામ હોવાનું કહી કંગનાની ઓફિસમાં તોડફોડ કરી દીધી હતી. જોકે પાછળથી હાઇકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. તેથી નગરપાલિકાએ હવે કંગનાના ઘર પર કરડી નજર કરી છે. કાયદાકીય અડચણ ન નડે એટલે બીએમસીની સિવિક બોડીએ કોર્ટમાં અરજી દાખલ કરી ડિમોલિશન( બાંધકામ તોડવા)ની મંજૂરી માગી છે. અરજીમાં કંગનાના ખાર વિસ્તારમાં બનેલા ફ્લેટમાં 8 ગેરકાયદે બાંધકામ ગણાવ્યા છે. તેથી કંગના પણ ભડકી ગઇ છે. તેણે ટ્વીટ કરી કે, હવે ગમે તે થઇ જાય હું જીવું કે મરું, પણ ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગને ઊઘાડી પાડીને જ ઝંપીશ.

વાસ્તવમાં BMC હવે કંગનાની પાછળ હાથ ધોઇને પડી ગઇ હોવાનું લાગે છે. તેથી જ હાઇકોર્ટે કંગનાની ઓફિસ તોડવા સામે સ્ટે મૂકતા નગરપાલિકાએ કંગનાના ઘરને તોડવા માટે કોર્ટમાં પહેલેથી જ અરજી નાંખી દીધી. BMCનું કહેવું છે કે કંગનાના ખારના ફ્લેટમાં 8 બાંધકામ ગેરકાયદે છે. ઓફિસ મામલે ગુરુવારે હાઇકોર્ટમાં બપોરે આશરે ત્રણ વાગે સુનાવણી શરુ થશે. ત્યારે BMC પોતોની દલીલો રજૂ કરશે.

કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ બુધવારે બોમ્બે હાઇકોર્ટમાંથી કંગનાની ઓફિસમાં તોડફોડ સામે સ્ટે તો લઇ લીધો હતો. જેના પર આવતી કાલે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટે કંગનાની ઓફિસનું ગેરકાયદે બાંધકામ તોડવા માટે આટલી ઉતાવળ શા માટે કરી હોવા અંગે બીએમસી પાસે જવાબ માંગ્યો છે

બીએમસીનું કહેવું છે કે કંગના રણૌતને બે વર્ષ પહેલાં નોટિસ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરમાં ખોટી રીતે રિનોવેશનનું કામ કરાયું છે. જે નિયમોનું ઉલ્લંઘન છે. ત્યારે કંગનાએ સિવિલ કોર્ટમાં જઇ સ્ટે ઓર્ડર લઇ લીધો હતો. હવે બીએમસીએ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. તેનું કહેવું છે કે સ્ટે ઓર્ડર રદ કરી દેવામાં આવે અને ડિમોલિશનની પરવાનગી આપવામાં આવે.

કંગનાએ પહેલાં તો CM ઠાકરેને પડકાર ફેંક્યો હતો. પછી ઘર પર પણ નજર થતાં કંગનાએ સાંજે ફરી ટ્વીટ કરી કે, ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગ આવો તમે મારી ઓફિસ તોડી નાંખો, હવે મારુ ઘર તોડી નાંખો, પછી મારો ચહેરો મારું શરીર તોડો. હું ઇચ્છુ છું કે દુનિયા એ સ્પષ્ટપણે જુએ કે તમે આમ પણ શું કરતા હતા. હું ભલે મરું કે જીવું પણ તમને ઊઘાડા પાડીશ.”

(11:04 pm IST)