મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

LAC પર સ્થિતિ ગંભીર : ભારતે ફિંગર ૪ પર જમાવ્યો ડેરો : ચીન ત્યાંથી ખસવા તૈયાર નથી

LAC પર સ્થિતિ ગંભીર ભારત અને ચીનની સેના આમને સામને

નવી દિલ્હી તા. ૧૦ : LAC પર સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે. ચીન અને ભારતની વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે બન્ને દેશોની સેના સામ સામે આવી ગઈ છે. ભારતીય સેનાએ પેંગોંગ લેક પાસે ફિંગર ૪ પર ડેરો જમાવ્યો છે. બીજી તરફ આજે રાતે વિદેશ મંત્રી. ડો. જયશંકર મોસ્કોમાં ચીનના પોતાના સમકક્ષ સાથે આ અંગે મુલાકાત કરશે અને આ અંગે વાત કરશે.

લદ્દાખમાં પૈંગોંગ સરોવર પાસે ભારત અને ચીની સેના આમને સામને આવ્યા બાદ તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ ફિંગર ૪ પર ડેરો જમાવ્યો છે.. બીજી તરફ ચીની આર્મી ફિંગર ૪થી ૮ સુધી પાછી ખસવા તૈયાર નથી. અને ફિંગર ૫થી ફિંગર ૮ વચ્ચે નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. ચીનના નવા સૈનિકો અને વાહનો પણ નજરે પડ્યા છે.

જોકે એકચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ ફિંગર ૮ પર છે તેમ છતાં ચીની સેના LAC ક્રોસ કરીને ફિંગર ૫ સુધી પેટ્રોલિંગ કરે છે. જોકે આ વખતે ભારતીય સેના પણ આક્રમક મૂડમાં છે. ચીનની કોઈપણ ચાલાકીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

બીજી તરફ ચીનમાં તમામ પ્રદેશોમાંથી તિબ્બતમાં ચીની સેના એકઠી થઈ છે. તિબ્બતમાં ચીનના ૨.૫ લાખ સૈનિકો તૈયાર છે. LAC પર ચીનના ૬ લાખ સૈનિકો તૈયાર છે. ચીનના ફાયટર જેટ, મિસાઈલ અને તોપ પણ તૈયાર છે.

ચીને ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ઘુસણખોરીનો  પ્રયાસ કર્યો હતો.  ભારતીય સેનાના આક્રમક વલણના કારણે ચીની સેના  પાછળ ખસી હતી. LAC પર ભારતીય સેના સંપૂર્ણ રીતે અલર્ટ છે.  પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે ઉંચાઈવાળા સ્થળે સેના તૈનાત છે.

વિદેશ મંત્રી એસ જયશંકરની એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે રુસ પહોંચ્યા છે. તેમની મુલાકાત તેમના સમકક્ષ વાંગ યી સાથે થવાની છે. હાલમાં જ રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે હતા અને એસસીઓ દરમિયાન પોતાના સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને મળવા માટે ભૈય બાપા કર્યા બાદ ચીને પોતાનો રંગ બતાવી દીધો હતો. હંમેશાની જેમ આ વખતે પણ ચીને પહેલા વાતચીતથી સમસ્યા ઉકેલવાનું નાટક કર્યુ અને ૪ સપ્ટેમ્બરે ૨ કલાકની બેઠક કર્યા બાદ જવાબદારી ભારતના માથે નાંખી દીધી. વેઈ ફેંધેએ કહ્યું કે બન્ને દેશો અને સેનાઓની વચ્ચેના સંબંધ પર સીમા વિવાદને કારણે અસર પડી છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે.

ચીનના રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે રહેલા તણાવનું કારણ અને સત્ય બહું સાફ છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન પોતાના ક્ષેત્રને ગુમાવી ન શકે અને ચીની સેના રાષ્ટ્રીય સંપ્રભુતા અને અખંડતા માટે સંપૂર્ણ રીતે દ્રઢ, આત્મવિશ્વાસી અને લાયક છે. બન્ને દેશોને ચેરમેન જિંનપિંગ અને પીએમ મોદી દ્વારા બનાવાયેવી સમજૂતિ લાગુ કરવી જોઈએ અને વાતચીતથી સમસ્યા ઉકેલવી જોઈએ.

(10:37 am IST)