મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

શહેરમાં નવા ૪૭ કેસ : ૮૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

કુલ આંક ૪૧૦૧: ગઇકાલે ૧૦૬ દર્દીઓ સાજા થયાઃરિકવરી રેટ ૬૨.૬૦ ટકા ૩૬ હજાર ઘરનો સર્વેઃ સાડા ચાર હજાર લોકોના એન્ટિજન ટેસ્ટ કરાયા

રાજકોટ,તા.૧૦: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા છેલ્લા સાત દિવસથી કોરોનાનાં આંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૭ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૧૦૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૨૫૩૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૨.૬૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૧૦૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૮૪ ટકા થયો  હતો. જયારે ૧૦૬ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૦૬,૯૫૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫૩૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૭૯ ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ નટરાજ નગર-યુનિવર્સિટી રોડ, સુભાષનગર-કોઠારિયા રોડ,નુતન પ્રેસ-સદર બજાર, વિનદોનગર-થોરાળા, પુનીતનગર- બજરંગ વાડી, સોમનાથ સોસાયટી- રણુજા મંદિર, વિશ્રાંતિ નગર- કોઠારિયા રોડ  સહિત ૭ વિસ્તારોમાં ૮૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૩૬ હજાર ઘરોનો સર્વેઃ ૫૪ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૬  હજાર ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૫૪ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   મ્યુ. કોર્પોરેશનની ૧૦૩૧ જેટલી સર્વેલન્સ ટીમ દ્વારા ૩૬,૫૮૧ મકાનોનો સર્વે કરાયેલ. જેમાં ૫૪ વ્યકિતઓને તાવ - શરદી - ઉધરસના લક્ષણો જણાયેલ. જ્યારે ૫૦ ધનવંતરી રથ મારફત ૧૩,૯૩૪ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

સાડા ચાર લોકોનો એન્ટીજન ટેસ્ટ કરાયા

ઉપરાંત ગઇકાલે ૩૬ ટેસ્ટીંગ વાન, ધનવંતરી રથ, સંજીવની રથ  દ્વારા શ્યામનગર, ગાંધીગ્રામ, સૈફ કોલોની, જાગનાથ પ્લોટ,ગોકુલનગર, નિલકંઠ પાર્ક, હરી ધવા માર્ગ, સહકાર મેઇન રોડ, પરસાણાનગર, નિલકંઠ પાર્ક સહિતના વિસ્તારોમાં ૪,૪૭૨ લોકોનો એન્ટીજન કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરાયેલ.

(2:55 pm IST)