મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

'આત્મ નિર્ભરતા સાકાર' : કોરોના કાળમાં દંપતિએ જાતે જ નિર્માણ કર્યુ બે માળનું મકાન

તેમની ધગશને બિરદાવવા વડાપ્રધાન મોદી સંવાદ કરશે

બૈતુલ તા. ૧૦ : મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના એક મજદુર દંપતિએ આત્મનિર્ભરતાનું મોટુ ઉદાહરણ પુરૂ પાડયુ છે.

મજદુર દંપતિ સુશીલાદેવી અને સુભાષને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા રૂ.૧.૫૦ લાખ રૂપિયાની સહાય મંજુર થઇ હતી. આટલી રકમમાં સરસ મોટુ મકાન બનાવવાની તેમની ઇચ્છા હતી. એટલે કારીગરોને આપવાના પૈસા બચી જાય તેવા હેતુથી જાતે જ મહેનત શરૂ કરી દીધી. જોત જોતામાં ૪૯ દિવસની મહેનત રંગ લાવી અને સરસ મજાનું બે માળનું મકાન તૈયાર થઇ ગયુ.પ્રધાનમંત્રી આવાસ યોજનાની મળેલી રકમમાંથી જ તેમણે બે રૂમ અને સંડાસ બાથરૂમની સુવિધાવાળુ આકર્ષક મકાન ઉભુ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ આવાસના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરે છે. જે અંતર્ગત ૧૨ સપ્ટેમ્બરે તેઓ આ કરામત દેખાડનાર દંપતિ સાથે પણ વર્ચ્યુઅલ સંવાદ કરી તેમની હિંમત અને કોઠાસુઝને બીરદાવશે.જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યાલય અધિકારી એમ. એન. ત્યાગીએ જણાવ્યુ છે કે લાભાર્થીએ જે રીતે જાત મહેનતથી આવાસ તૈયાર કર્યુ તે ખરેખર કાબીલે દાદ છે. તેમની મહેનત જોઇને અન્ય ૧૩ યોજનાઓનો પણ તેઓને લાભ અપાવવામાં આવશે.

(3:14 pm IST)