મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ગુગલના નવા ફીચરમાં કોણ કોલરનું નામ જાણી શકાશે

ગુગલે નવા ફીચર લોન્ચ કર્યા : તમને કોણ કોલ કરી રહ્યું છે અને શા માટે કોલ કરી રહ્યુ઼ છે બંને વસ્તુ ગુગલનું આ નવું ખાસ ફીચર જણાવી દેશે

નવી દિલ્હી,તા.૧૦: સર્ચ એન્જિન કંપની ગૂગલ દ્વારા તાજેતરમાં જ વેરીફાઈડ કોલ જ ફીચરની ઘોષણા કરવામાં આવી છે અને તેને ગુગલ ફોન એપ્લિકેશનનો ભાગ બનાવવામાં આવ્યો છે. ગુગલની આ સુવિધા વપરાશકર્તાઓને કહેશે કે કોણ કોલ કરી રહ્યું છે, કોલિંગ કરવાનું કારણ શું છે અને કોલરનો લોગો પણ બતાવશે. નવી સુવિધા લાવવા પાછળનું મોટું કારણ ફોન કોલ્સ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીને કાબૂમાં લેવાનું છે. આ સુવિધા ટ્રુકોલર એપ્લિકેશનને સીધી સ્પર્ધા આપી શકે છે. ભારત સહિત વિશ્વમાં ફ્રોડ કોલ્સ એક મોટી સમસ્યાઓ છે, અને વેરિફાઈડ કોલ ફીચરને લાવીને વપરાશકર્તાઓને આમાંથી બચાવી શકાય છે. કોઈ પ્રકારનાં વ્યવસાયિક કોલ્સના કિસ્સામાં વપરાશકર્તાને દેખાશે કે કોણ તેને કોલ કરી રહ્યું છે અને શા માટે છે. આ સિવાય ગૂગલ દ્વારા વેરિફાઇ કરવામાં આવેલ નંબર પર બિઝનેસનો વેરિફાઇડ બેચ પર પણ દેખાશે. આ ફીચર ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને યુએસ સહિત વિશ્વભરમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ટ્રુકોલર એપ્લિકેશન પણ પોતાના વપરાશકર્તાઓને સમાન ફંક્શન આપે છે અને ગુગલ ફોન એપ્લિકેશનમાં આ સુવિધા આવી જતા આ ફીચર ઘણા વપરાશકર્તાઓના હેન્ડસેટનો એક ભાગ બનશે. એટલે કે કોઈ પણ એપ્લિકેશનને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં અને ગૂગલ વેરિફાઈડ કોલ અને ટ્રુકોલર એપ્લિકેશનનું કામ કરી દેશે. એક બ્લોગ પોસ્ટમાં ગૂગલે લખ્યું છે કે પાયલોટ પ્રોગ્રામના પ્રારંભિક પરિણામો ખૂબ સારા આવ્યા છે અને વપરાશકર્તાઓને તેનો લાભ ચોક્કસપણે મળશે.

(3:20 pm IST)