મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

લોન મોરેટોરિયમની રાહત સુપ્રિમ કોર્ટે ૨૮મી સપ્ટેમ્બર સુધી લંબાવી : ખાતા NPA નહિ ગણાય

હવે ૨૮મીએ જ અંતિમ સુનાવણી

નવી દિલ્હી તા. ૧૦ : લોન મોરેટોરિયમ મામલાની સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાને વારંવાર ટાળવામાં આવી રહ્યો છે. હવે આ મામલાને ફકત એક જ વાર ટાળવામાં આવી રહ્યો છે તે પણ ફાયનલ સુનવણી માટે. આ દરમિયાન તમામ પોતાના જવાબ દાખલ કરી દો અને મામલામાં પાક્કી યોજનાની સાથે અદાલતમાં આવો.

કોર્ટે લોન મોરેટોરિયમને લઈને વારંવાર પડતી તારીખને પગલે કડકાઈ દાખવી છે અને કહ્યું કે પાક્કી યોજના સાથે કોર્ટમાં આવો સાથે કહ્યું છે કે ૩૧ ઓગસ્ટ સુધી NPA ન થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર ન કરવાના છેલ્લા આદેશ જારી કરશે. સુપ્રીમ કોર્ટે જવાબ દાખલ કરવા માટે ૨ અઠવાડિયા આપ્યા છે. સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે ઉચ્ચત્તમ સ્તર પર વિચાર થઈ રહ્યો છે. રાહત માટે બેંકો અને અન્ય હિતધારકોની સલાહમાં ૨થી ૩ બેઠક થઈ ચૂકી છે અને ચિંતાઓની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રએ ૨ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે પુછ્યું હતું કે ૨ અઠવાડિયામાં શું થવાનું છે? તમારે અલગ અલગ સેકટર માટે કંઈક કોંકરીટ કરવું પડશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનવણી કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ૩ જજોની બેંચે સુનવણી કરી.

ગત સુનવણીમાં અરજદારો તરફથી કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણયથી લોન લેનારા પર બેવડી માર પડશે. કેમ કે તેનાથી ચક્રવૃદ્ઘિ વ્યાજ એટલે કે કંપાઉન્ડિંગ ઈન્ટ્રેસ્ટ લેવામાં આવી રહ્યું છે. અરજદારોએ કહ્યું કે આ યોજના બે ગણો ફટકો છે કેમ કે તે અમને ચક્રવૃદ્ઘિ વ્યાજ ચાર્જ કરી રહ્યા છે. વ્યાજ પર વ્યાજ વસૂલવા માટે ડિફોલ્ટ માની રહ્યા છે. આ અમારા તરફથી ડિફોલ્ટ નથી. તમામ સેકટર ઠપ થઈ ગયા છે પરંતુ આરબીઆઈ ઈચ્છે છે કે બેંક કોરોનામાં નફો કમાય.

ઉલ્લેખનીય છે કે સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ સેકટરોની યાદી સોપી છે, જેને આગળ રાહત આપવામાં આવી શકે છે. ગત અઠવાડિયે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે લોન મોરેટોરિયમ મામલે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આ મુદ્દે જલ્દી એફિડેવિટ દાખલ કરે. લોન મોરેટોરિયમ એટલે કે લોનના હપ્તા ચુકવવા માટે મળેલા સમય દરમિયાન વ્યાજ માફીના અનુરોધવાળી એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, અર્થવ્યવસ્થા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે, તેની પાછળ એક જ કારણ લોકડાઉન છે.

ખરેખર, લોન મોરેટોરિયમ એક એવી સુવિધા છે, જેના હેઠળ કોરોના પ્રભાવિત ગ્રાહકો અથવા કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. જેના હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે તેઓ પોતાના મંથલી EMIને ટાળી શકે છે. આ સુવિધા સાથે ગ્રાહકોને રાહત તો મળી જાય છે, પરંતુ તેઓ આગળ જઇને વધારે રૂપિયા ચુકવવા પડે છે.

(3:55 pm IST)