મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે વંશવાદનો નમૂનો છે, ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતના આક્રમક પ્રહારો

રોષે ભરાયેલી શિવસેનાએ કંગના રણૌત સામે કેસ કર્યા : પિતાજીના કર્મોથી સંપત્તિ મળી શકે છે પણ સન્માન તો જાતે કમાવું પડે છે : મારું મોઢુ બંધ કરશો પણ બીજાનું શું?

મુંબઈ, તા. ૧૦ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે અપમાનજક ભાષાનો ઉપયોગ કરવાના આક્ષેપ સાથે શિવસેનાએ અભિનેત્રી કંગના રણૌત સામે ફરિયાદ કરી છે પણ કંગનાનો આક્રોશ યથાવત છે. કંગનાએ ફરી એક વખત ઉધ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા. કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, તમારા પિતાજીના કર્મોથી તમને સંપત્તિ મળી શકે છે પણ સન્માન તો જાતે જ કમાવું પડે છે. મારું મોઢુ બંધ કરી શકશો પણ મારા પછી બીજા લોકોના મોઢામાંથી પણ આ જ અવાજ નીકળશે. કેટલાક અવાજ દબાવશો અને ક્યાં સુધી સચ્ચાઈથી ભાગ્યા કરશો. તમે કશું નથી માત્ર વંશવાદનો નમૂનો છો...જોકે શિવેસનાના પણ ઢીલી પડી રહી નથી. શિવસેના શાસિત મુંબઈ કોર્પોરેશને કંગનાના ઘર પર પણ એક્શન લેવાની તૈયારી કરી છે.કોર્પોરેશનનુ કહેવું છે કે, કંગનાના ફ્લેટમાં પણ બદલાવ કરાયા છે અને કોર્ટનો સ્ટે હટવાની સાથે જ કોર્પોરેશન કાર્યવાહી કરશે. 

           ફિલ્મ અભિનેત્રી કંગના અને શિવસેના વચ્ચેનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શિવસેનાએ હવે કંગના સામે સીએમ વિરૂધ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા માટે મુંબઈમાં પલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ મુકાયો છે કે, ઉધ્ધવ ઠાકરે સામે કંગનાએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ફરિયાદની સાથે કંગનાના ટ્વિટ પણ એટેચ કરવામાં આવ્યા છે.  કંગનાએ પોતાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ બાદ ઉધ્ધવ ઠાકરેને ચેતવણી આપીને કહ્યુ હતુ કે, આજે મારૂ ઘર તુટ્યુ છે અને્ કાલે તારો ઘમંડ તુટશે. કંગનાએ ઉધ્ધને તુકારાથી સંબોધન કર્યુ હતુ અને આ વાત ચર્ચાનો વિષય રહી હતી. 

(9:23 pm IST)