મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

નીતિન ગડકરી સીમેન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી પર ભડક્યા

રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રીએ હાથે લીધી છે :સીમેન્ટ-સ્ટીલ કંપનીઓ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહી છે બિલ્ડર્સ એસો. ઓફ ઈન્ડિયા સાથે નીતિન ગડકરીની બેઠક

નવી દિલ્હી, તા. ૧૦ : કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રી નીતિન ગડકરીએ દેશની સીમેન્ટ અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીને આડા હાથે લીધી છે. તેમણે કહ્યું કે, આ ઈન્ડસ્ટ્રીઝમાં કાર્ટલ (એકબીજા સાથે સાંઠગાંઠ) છે અને સીમેન્ટ ફેક્ટરીઓ રિયલ એસ્ટેટ સેક્ટરની હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવી રહી છે. હાલના દિવસોમાં સીમેન્ટ અને સ્ટીલની કિંમતોમાં ઘણી તેજી આવી છે.

ગડકરીએ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, વેસ્ટર્ન રીજનના સભ્યોની સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા વાતચીતમાં કહ્યું કે, 'સીમેન્ટ ફેક્ટરીઓ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહી છે. જે રાષ્ટ્રહિતમાં નથી. અમે આગામી પાંચ વર્ષમાં ૧૧૧ લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લાગુ કરવાની યોજના તૈયાર કરી રહ્યા છીએ. જો સ્ટીલ અને સીમેન્ટના રેટ આવા જ રહેશે તો અમારા માટે ઘણી મુશ્કેલી પડશે.'

તેમણે કહ્યું કે, સીમેન્ટ અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં એક કાર્ટેલ છે. દરેક સ્ટીલ કંપનીની પોતાની ખાણ છે. લેબર અને વીજળીના દરમાં કોઈ વધારો નથી થયો, પરંતુ પોતાની કિંમત વધારી રહ્યા છે. અમારા માટે તેની પાછળનું કારણ સમજવુ મુશ્કેલ છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, વેસ્ટર્ન રીઝને સીમેન્ટ અને સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ માટે રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવાની માગ કરી. ગડકરીએ કહ્યું કે, તેઓ આ સૂચનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રાલયને ફોરવર્ડ કરશે.

(12:00 am IST)