મુખ્ય સમાચાર
News of Tuesday, 11th January 2022

સેક્સ વર્કર્સને ડ્રાય રાશન મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આદેશ

બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મૂળભૂત અધિકારો તમામ નાગરિકો માટે છે, પછી ભલે તે કોઈ પણ વ્યવસાયમાં હોય

નવી દિલ્હી, તા.૧૦ : સેક્સ વર્કર્સને ડ્રાય રાશન આપવા મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાને લઈ સુપ્રીમ કોર્ટે સોમવારે બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, મૂળભૂત અધિકારો તમામ નાગરિકો માટે છે, પછી ભલે તે કોઈ પણ વ્યવસાયમાં હોય.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બીઆર ગવઈની પીઠે જણાવ્યું કે, કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે મુદ્દો સર્વાધિક ધ્યાન આપવા યોગ્ય છે કારણ કે, જીવવું મુશ્કેલ બની રહ્યું છે પરંતુ રાજ્ય સરકાર તેને હળવાશમાં લઈ રહી છે.

ટોચની અદાલતે બંગાળ સરકારના વકીલને કહ્યું કે, 'અમારે તમને કેટલી વખત કહેવું પડશે? અમે સરકાર વિરૂદ્ધ આકરો આદેશ પારિત કરી દઈશું. ગત વખતે જાહેર કરવામાં આવેલા આદેશને તમે વાંચ્યો છે? તમે એક સોગંદનામુ શા માટે દાખલ નથી કરી શકતા? જો અન્ય તમામ રાજ્યો દાખલ કરી રહ્યા છે તો પશ્ચિમ બંગાળ આવું શા માટે નથી કરી શકતું?'

તેના પર બંગાળ સરકારના વકીલે પીઠને કહ્યું કે, રાજ્યમાં 'ખાડ્યા સાઠી સ્કીમ' અંતર્ગત જરૂરિયાત ધરાવતા લોકોને ફ્રી રાશન આપવામાં આવે છે. પીઠે જવાબમાં કોઈ રસ નહોતો દાખવ્યો અને તેઓ સપ્તાહની અંદર સોગંદનામુ દાખલ કરીને જણાવે કે તેમણે શું પગલા ભર્યા છે તેમ કહ્યું હતુંસુપ્રીમ કોર્ટે પાછલી સુનાવણીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, મૂળભૂત અધિકાર દરેક નાગરિક માટે એક ગેરન્ટી છે, પછી ભલે તે કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલી હોય. કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું કે, તેઓ સેક્સ વર્કર્સને પણ વોટર આઈડી, આધાર અને રાશન કાર્ડ આપે અને તેમને ડ્રાય રાશન આપવાનું ચાલુ રાખે.

હકીકતે સુપ્રીમ કોર્ટ એક અરજીની સુનાવણી કરી રહી છે જેમાં કોરોના મહામારીના કારણે સેક્સ વર્કર્સને પડી રહેલી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કોર્ટ તેમની ભલાઈ માટે આદેશ આપી રહી છે. ગત વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને અન્યને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ સેક્સ વર્કર્સ પાસેથી ઓળખ વગરના પુરાવા માગે અને તેમને રાશન કાર્ડ આપે.

(12:00 am IST)