મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

સોના- ચાંદીના ભાવમાં સામસામા રાહ:સોનામાં નરમાઇનો માહોલ : ચાંદીના ભાવમાં મજબૂતાઈ

અમેરિકામાં ફુગાવાના દરમાં વૃધ્ધિ થતાં સોનાના ભાવમાં ફરી તેજીની શકયતા

મુંબઈ ઝવેરીબજારમાં આજે હવામાન મિશ્ર રહ્યું હતું. સોનાના ભાવ નરમ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વબજારમાં પણ સોના- ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔશદીઠ ૧૮૯૪થી ૧૮૯૫ ડોલરવાળા ઘટી ૧૮૮૫થી ૧૮૮૬ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યાના નિર્દેશો હતા. જોકે મોડી સાંજે મળેલા સમાચાર મુજબ અમેરિકામાં ફુગાવાના દરમાં વૃધ્ધિ થતાં આવી વૃધ્ધિમાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો છે અને ત્યાં આવો વૃધ્ધિ દર વધી પાંચ ટકા નોંધાયો છે.

ફુગાવાનો વૃધ્ધિ દર ત્યાં અપેક્ષાથી ઉંચો આવ્યો છે. આના પગલે હવે આગળ ઉપર વિશ્વબજારમાં સોનાના ભાવમાં ફરી તેજી આવવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૭.૭૪થી ૨૭.૭૫ ડોલરવાળા વધી ૨૭.૮૪થી ૨૭.૮૫ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૭૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૫૦૨૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૦૪૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૧૬૧થી ૧૧૬૨ ડોલરવાળા ઘટી ૧૧૫૦ની અંદર ઉથરી ૧૧૪૩થી ૧૧૪૪ ડોલર બોલાયાના સમાચાર હતા જ્યારે પેલેડીયમના ભાવ ૨૮૦૬થી ૨૮૦૭ ડોલરવાળા ઘટી ફરી ૨૮૦૦ ડોલરની સપાટી ગુમાવી ૨૭૫૬થી ૨૭૫૭ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં જોકે આજે સાંજે કોપરના ભાવ ૧.૧૫ ટકા માઈનસમાં રહેતાં વૈશ્વિક ચાંદી બજારમાં વધ્યા મથાળે રુકાવટ પણ જણાઈ હતી.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ આશરે અડધો ટકો પ્લસમાં રહ્યા હતા અને તેના પગલે વૈશ્વિક સોનામાં ઘટાડે સપોર્ટ પણ મળી રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૮૭૮૫ વાળા રૂ.૪૮૫૫૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૮૯૮૧ વાળા રૂ.૪૮૭૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૭૦૮૧૯ વાળા વધી રૂ.૭૧૨૨૪ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ અડધો ટકો વધી બેરલના ભાવ ન્યુયોર્ક ક્રુડના ૭૦.૨૯ ડોલર તથા બ્રેન્ટક્રૂડના ૭૨.૬૨ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક વધતાં ક્રૂડતેલમાં ઉંચા મથાળે સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો. લીબીયામાં પાઈપલાઈનમાં લીકેજનું સમારકામ થઈ જતાં ત્યાં ક્રૂડતેલનું ઉત્પાદન જે ઘટયું હતું તે ફરી રાબેતા મુજબ શરૂ થઈ રહ્યાના નિર્દેશોની પણ બજાર પર ઉંચા મથાળે રુકાવટની અસર રહીહતી.

(11:13 pm IST)