મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ચીનની રસીને WHOની મંજુરી હોવા છતાં સાઉદી અરેબિયા સહિતનાં ખાડીના દેશોને વિશ્વાસ નથી

યુએઈએ કહ્યું -કે જે લોકોએ ચીનની રસી લીધી હોય, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી નહીં: સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન સહિત ફિલિપાઇન્સ અને યુએઈ જેવા દેશોએ ચીનની રસીની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી:ચીનમાં બનેલી કોરોનાવાયરસ વિરોધી રસી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની મંજૂરી મેળવ્યા છતાં ઘણા દેશો તેને મંજૂરી આપી રહ્યા નથી. આ દેશોમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન સહિત મધ્ય-પૂર્વ એશિયાના ઘણા દેશોનો સમાવેશ થાય છે. યુએઈએ એમ પણ કહ્યું છે કે જે લોકોએ ચીનની રસી લીધી હોય, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનની કોરોના રસી ઉપર ઘણા સવાલો ઉભા થયા છે. સેશેલ્સમાં મે મહિનામાં અચાનક કોરોનાનાં કેસો વધી ગયા હતા. અહીં વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ કરવામાં આવ્યું હતું, અને મોટાભાગના લોકોને ચીનમાં બનેલી સિનોફોર્મ રસીનો ડોઝ અપાયો હતો.

રસીકરણ પછીના કેસોમાં અચાનક થયેલા વધારાએ પણ રસીની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.

ત્યારબાદથી સાઉદી અરેબિયા, બહેરિન, ફિલિપાઇન્સ અને યુએઈ જેવા દેશોએ ચીનની રસીની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. મેના અંતમાં સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલિપિન્સનાં લોકો ચીનની રસી એટલા માટે નથી ઇચ્છતા કારણ કે તેમને તેની સલામતી અને અસરકારક્તા અંગે શંકા છે.

સાઉદી અરેબિયાએ ચીનની કોરોના વિરોધી રસી ઉપર સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી છે. તેણે ચીનની બંને રસી (સિનોફાર્મ અને સિનોવાક) ને મંજૂરી આપી નથી. સાઉદીના આ પગલાથી ચીનની રસી ઉપર નિર્ભર પાકિસ્તાન અને અન્ય દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન આ સમસ્યાના સમાધાન માટે સાઉદી અરેબિયા સાથે ચર્ચા કરી રહ્યું છે.

(12:00 am IST)