મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કોરોનાઃ કેસ ઘટે છે પણ મૃત્યુઆંક યથાવત

કોરોનાની બીજી લહેર ભલે ધીમી પડી પણ ખતરો ઉભો જ છે : ૨૪ કલાકમાં ૯૧૭૦૨ નવા કેસ અને ૩૪૦૩ લોકોને કોરોના ભરખી ગયો

નવી દિલ્હી, તા. ૧૧ :. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ મોતના આંકડા ડરાવી રહ્યા છે. બીજી લહેર ભલે નબળી પડી હોય પરંતુ ખતરો હજુ ઉભો જ છે. જો કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નહી કરીએ તો આ આંકડા વધી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૯૧૭૦૨ કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૩૪૦૩ લોકોના મોત થયા છે.

કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા ૨૯૨૭૪૮૨૩ની થઈ છે. હાલ ૧૧૨૧૬૭૧ એકટીવ કેસ છે જ્યારે ૨૭૭૯૦૦૭૩ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. દેશમા અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૩૬૩૦૭૯ લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૩૭૪૨૪૨૩૮૪ લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે. ગઈકાલે ૨૦૪૪૧૩૧ લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ.

જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા ૩ લાખની નજીક હતી ત્યારે પણ મોતના આંકડા આટલા જ હતા. આનાથી જણાય છે કે ભલે કોરોના સંક્રમણ ફેલાવાની સ્પીડ ઘટી હોય પરંતુ તેની શિકાર કરવાની ક્ષમતા ઘણી વધુ છે.

(10:27 am IST)