મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કોંગ્રેસમાં ઈનકમિંગ બંધઃ આઉટગોઈંગ ચાલુ

જિતિન પ્રસાદ અંતિમ વ્યકિત નથીઃ વંડી ઠેકવા હજુ અનેક નેતાઓ તૈયારઃ કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે

નવી દિલ્હી, તા. ૧૧ :. કોંગ્રેસની માઠી બેઠી છે. પક્ષમાં ઈનકમીંગ બંધ થઈ ગયુ છે જ્યારે આઉટગોઈંગ ચાલુ છે. કોંગ્રેસમાંથી અનેક સિનીયર નેતાઓ ચાલ્યા જતા પક્ષની હાલત ખરાબ થઈ ગઈ છે. કોંગ્રેસમાં નવા ચહેરા આવતા નથી અને જૂના ચહેરા પક્ષ છોડી જઈ રહ્યા છે. મિશન-૨૦૨૨ ધુંધળુ દેખાય રહ્યુ છે. ૨૦૨૨ને ધ્યાનમાં રાખી સંગઠનને ઠીકઠાક કરવાની સાથે પક્ષમાંથી જતા લોકોને રોકવાનો બેવડો પડકાર મોઢુ ફાડીને ઉભો છે. ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે એવામાં પક્ષે પોતાના મોટા ચહેરાઓને બચાવવા માટે કવાયત કરવી પડશે. માત્ર જિતિન પ્રસાદ જ નહિ અનેક નેતાઓ પક્ષ છોડવાની તૈયારી કરી રહ્યા છે.

ગત વિધાનસભાની ચૂંટણીથી અત્યાર સુધીમાં અનેક ચહેરાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂકયા છે. જેમા છેલ્લુ નામ જિતિન પ્રસાદનું છે તે અંતિમ નામ નથી. પક્ષની અંદર ચાલી રહેલી હલચલથી જણાય છે કે યુપીની ચૂંટણી પહેલા અનેક લોકો વંડી ઠેકી જશે. જિતિન પ્રસાદ જી-૨૩નો હિસ્સો હતા. તેમને અનેક કમિટીઓમા કોઈ જવાબદારી અપાઈ નહોતી.

કોંગ્રેસમાં હાલ ભારે બખડજંતર ચાલી રહ્યુ છે. હજુ રાજસ્થાન કોંગ્રેસમાં ગમે ત્યારે ભડકો થવાની શકયતા છે. કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ કહે છે કે પક્ષે મંથન કરવાની જરૂર છે.

(10:28 am IST)