મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

જીવ બાળતા પેટ્રોલ-ડીઝલના ભાવઃ આ વર્ષે ૧૨-૧૨ રૂ. વધ્યા

પેટ્રોલ-ડીઝલ આજે ફરી મોંઘા થયાઃ જૂનમાં ૬ વખત ભાવ વધ્યાઃ મે મહિનામાં પેટ્રોલમાં ૪.૦૯નો વધારો થયો હતો : મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ની ઉપર પહોંચ્યોઃ દેશના ૧૩૫ જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂ. ઉપર

નવી દિલ્હી, તા. ૧૧ :. એક દિવસ શાંત પડયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી આગ લાગી છે. દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવમાં લીટરે ૨૫ પૈસાથી ૨૯ પૈસા તો ડીઝલમાં ૨૭ પૈસાથી ૩૦ પૈસા પ્રતિ લીટર વધારો જોવા મળ્યો છે. આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ રૂ. પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે દેશના ૧૩૫ જિલ્લા એવા છે જ્યાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂ.ની ઉપર ચાલી રહ્યો છે. આ વર્ષે ઘટાડો ચાર વખત થયો છે તો ૧૪ ટકા ઉપર ભાવ વધારો ઝીંકાયો છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૫.૮૫ તો ડીઝલ ૮૬.૭૫ થયુ છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૧.૦૪ તો ડીઝલ ૯૪.૧૫ ઉપર પહોંચ્યુ છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેફામ વધારો થયો છે તો ઘટાડો માત્ર ચાર વખત થયો છે. આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવ લગભગ ૧૪ ટકા વધ્યા છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી હતી તે દરમિયાન ભાવો વધ્યા નહોતા. એટલુ જ નહિ માર્ચમાં ૩ વખત અને એપ્રિલમાં ૧ વખત ભાવ ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૭૨ ડોલર પ્રતિ બેરલ થઈ ગયુ છે જેને કારણે ભાવ વધવા લાગ્યા છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૨ પ્રતિ લીટરની પાર થઈ ગયો છે. જ્યારે ડીઝલ ૯૪ ઉપર છે. જૂનમાં અત્યાર સુધીમાં ૬ વખત ભાવ વધ્યા છે. આ મહિને જ પેટ્રોલ ૧.૬૬ તો ડીઝલ ૧.૬૦ રૂ. મોંઘુ થયુ છે.

આ પહેલા મે મહિનામાં બન્નેના ભાવ ૧૬ વખત વધ્યા હતા. ૪ મેથી સતત ૪ દિવસ સુધી ભાવ વધ્યા હતા. જ્યારે ચૂંટણીને કારણે એ પહેલા ૧૮ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા હતા. મે મહિનામાં દિલ્હીમાં પેટ્રોલ ૪.૦૯ તો ડીઝલ ૪.૬૮ રૂ. મોંઘુ થયુ હતું.

૧૫ એપ્રિલે લોકોને ભાવમાં રાહત મળી હતી. એપ્રિલમાં એક અને માર્ચમાં ત્રણ વખત ભાવ ઘટાડો થયો હતો.

વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ઈંધણના ભાવમાં ૪૮ વખત વધારો થયો છે. પેટ્રોલમાં રૂ. ૧૨.૧૪નો ભાવ વધારો છે. ૧લી જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ ૮૩.૭૧ હતો જ્યારે આજે ૯૫.૮૫ છે. આ જ પ્રકારે ૧લી જાન્યુઆરીથી લઈને આજ સુધી દિલ્હીમાં ડીઝલમા ૧૨.૮૮ રૂ. વધ્યા છે. ૧લી જાન્યુઆરીએ ડીઝલનો ભાવ ૭૩.૮૭ રૂ. હતો આજે ૮૬.૭૫ રૂ. છે.

(10:29 am IST)