મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કન્સ્ટ્રકશન ખર્ચ વધતા મકાનોના ભાવ મધ્યમથી લાંબા ગાળે વધશે

સ્ટીલ -સિમેન્ટના ભાવ વધતા નાછૂટકે ભાવવધારો કરવો પડશે

નવી દિલ્હી,તા. ૧૧ : રિયલ એસ્ટેટ સેકટરના સંગઠન ક્રેડાઈએ ગઇ કાલે કહ્યું હતું કે સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાને કારણે મકાન બાંધકામનો ખર્ચ ૧૦-૨૦ ટકા વધી ગયો છે, જેને કારણે મધ્યમથી લાંબા ગાળે મકાનોના ભાવ વધશે તેવી શકયતા છે.

વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ક્રેડાઈના ચેરમેન સતીષ માગરે કહ્યું હતું કે એપ્રિલથી મકાનોનાં વેચાણમાં મોટાપાયે ઘટાડો થયો છે કારણ કે કોરોનાના સેકન્ડ વેવને કરણે ગંભીર અસર થઈ છે.

મકાનોના ભાવ અંગે કેડાઈના પ્રેસિડેન્ટ હર્ષવર્ધન પટોડિયાએ કહ્યું હતું કે સિમેન્ટ અનેસ્ટીલના ભાવ છેલ્લાં એક વર્ષમાં ખાસ્સા વધી ગયા છે. આથી મધ્યમ અને લાંબા ગાળે મકાન નિર્માણના ખર્ચ પર પણ તેની અસર પડશે અને ભાવ વધશે. તેમણે કહ્યું કે હાલના કસ્ટમર્સ માટે ભાવમાં વધારો નહીં થાય, પરંતુ નવા વેચાણમાં ભાવ વધી શકે છે.

એસોસિએશને અનેકવાર સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સ્ટીલ અને સિમેન્ટના ભાવ પર અંકુશ લાવવો જરૂરી છે. કમ્પિટિશન કમિશન સમક્ષ પણ ફરિયાદ કરી છે. પરતુ કોઈ પરિણામ આવ્યું નથી.

ક્રેડાઈના પ્રેસિડેન્ટ-ઈલેકટ બોમન ઈરાનીએ કહ્યું હતું કે કન્સ્ટ્રકશન ખર્ચ ૧૫ ટકા જેવો વધી ગયો છે. કન્સ્ટ્રકશન મટીરિયલના ભાવ વધવાથી નાછૂટકે બિલર્સે ભાવવધારો કરવો પડી રહ્યો છે. ભાવવધારાથી તેમને કંઈ નફા કે માર્જિનમાં વધારો નહીં થાય. તેમણે કહ્યું ક કોરાનાની બીજી લહેરની વ્યાપક અસર થઈ છે, કારણકે દરેકને કોઈ ને કોઈ રીતે તેની અસર થઈ છે.

૯૦ ટકા બિલ્ડર્સે કહ્યું કે સેકન્ડ વેવની વધુ અસર

ક્રેડાઇના સર્વેમાં ૯૦ ટકા બિલ્ડર્સે કહ્યું હતું કે કોરોનાના પ્રથમ વેવ કરતાં સેકન્ડ વેવની તેમના બિઝનેસ પર વધારે ગંભીર અસર થઇ છે. નવું વેચાણ અને કલેકશન એપ્રિલથી ઘટ્યા છે. ૯૬ ટકા ડેવલપર્સને તેમના પ્રોજેકટ વિલંબમાં પડવાનું જોખમ લાગે છે કારણ કે અનેક રાજયોમાં લોકડાઉન કે નિયંત્રણો છે. ૧૩,૦૦૦ જેટલા સભ્યો ધરાવતા ક્રેડાઈએ ૨૧૭ શહેરોમાં ૪૮૧૩ સભ્યોનો સર્વે કર્યો હતો. ૨૪ મેથી ૩ જૂન દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો હતો.

(10:31 am IST)